આણંદમાં બનશે ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી
સંસદમાં બિલ રજૂ થશે, સહકારી આંદોલનના જનક ત્રિભુવનદાસ પટેલનું નામ જોડાશે
ગુજરાતના આણંદ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂૂરલ મેનેજમેન્ટ (ઈરમા)એ કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાનો ફેંસલો કર્યો છે. આ યુનિવર્સિટી બનાવવા સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી એક બિલ રજૂ કરવામાં આવશે. સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના વિકાસનો રોડમેપ બનાવ્યો છે. આ સ્થિતિમાં સહકારિતાના અભ્યાસ માટે અલગથી એક યુનિવર્સિટી બનતાં આ ક્ષેત્રના વિકાસમાં નવી ગતિ આવશે.
દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી હશે.
આ નામ ભારતમાં સહકારી આંદોલનના જનક ગણાતા સ્વતંત્રતા સેનાની ત્રિભુવનદાસ પટેલને સમર્પિત છે. હાલ ઈરમામાં પીજી કોર્સ કરાવવામાં આવે છે. જેમાં એમબીએની ડિગ્રી મળે છે. ઈરમા ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ માટે સમર્પિત એક બિઝનેસ સ્કૂલ છે. જેની સ્થાપના 1979માં ડો.વર્ગીસ કુરિયને કરી હતી.
રૂૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઈરમા પ્રથમ પસંદગી છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ જેવા વડાપ્રધાન તેની મુલાકાત લઈ ચૂક્યા છે.
ગુજરાતને સહકારિતા ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા સફળ મોડલ તરીકે જોવામાં આવે છે. તેથી અહીંયા સહકારિતા યુનિવર્સિટી બનાવવી ખાસ વાત છે.