વર્ષના અંતે ગુજરાતનું દેવું 4,26,380 કરોડનું થશે: મોઢવાડિયા
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ ઉપર ચર્ચા દરમિયાન માન. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ બજેટને નિરાશાજનક ગણાવી અસહમતી વ્યક્ત કરી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નાણામંત્રી પાસેથી એવી અપેક્ષા રખાતી હતી કે રાજ્યનું કર્જ ઓછું થાય અને કેપિટલ આઉટ લે માં વધારો થાય તેવી જોગવાઈ હશે, છેવાડાના માનવીને રાહત પહોંચાડે તેવુ બજેટ હશે, પરંતુ આ બધી આશાઓ ઠગારી નિવડી છે. સંસ્કૃતમાં એક યુક્તિ છે ‘ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત’ એટલે કે દેવુ કરીને ઘી પીવુ, એવી જ રીતે આ બજેટ પણ ગુજરાતનું દેવુ વધારનારું છે. લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે, તે નાણાકીય વર્ષ 2024-25 ના અંતે વધીને 4 લાખ 26 હજાર 380 કરોડ રૂપિયાનું થઈ જશે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ બજેટમાં લગભગ 53% ખર્ચ પેન્શન, પગાર અને વ્યાજ ચુકવવામાં થવાનો છે. વર્ષ 2023-24 નું જે રીવાઈઝ બજેટ રજુ થયુ તેમાં પણ કેપિટલ ખર્ચમાં 14% જેટલો ઘટાડો કરવો પડ્યો છે. એટલે સ્પષ્ટ છે કે આ સરકાર માત્ર બિન ઉત્પાદક ખર્ચમાં વધારો કરી રહી છે. આમ પણ ગુજરાત કુલ ૠ જ ઝ ઙ ના ઓછામાં ઓછા ટકા કેપિટલ આઉટ લે પાછળ વાપરે છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૠ જ ઝ ઙ ના 3.6 ટકા કર્ણાટકમાં 2.4 ટકા, રાજસ્થાનમાં 2 ટકા ખર્ચે કેપિટલ આઉટ લે પાછળ થાય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1.5 ટકા ખર્ચ કેપિટલ આઉટ લે પાછળ થાય છે. જેના કારણે આપણું ઈન્ફ્રાસ્ટ્રકચર જે ઝડપથી આગળ વધવુ જોઈએ તે ઝડપથી વધી શકતુ નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રીવાઈઝ બજેટમાં જે નોંધપાત્ર ઘટાડો કર્યો તેમાં ઉર્જા ક્ષેત્ર 2354 કરોડ રૂપિયા, કૃષિ ક્ષેત્રે 761 કરોડ રૂૂપિયા, વાહનવ્યવહાર ક્ષેત્ર 2079 કરોડ રૂૂપિયા અને સિંચાઈ ક્ષેત્ર 2410 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજ પુનરાવર્તન વર્ષ 2024-25 માં પણ થવાનું છે. મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે બજેટમાં દર્શાવવામાં આવ્યું છે કે અમે પી.એચ.સી. ઉભા કર્યા છે એને વેચીને 17,500 કરોડ રૂપિયા ડીસ ઈન્વેસ્ટમેન્ટમાં લઈ આવીશું. ચાલુ વર્ષના બજેટમાં પણ આટલી જ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેની સામે ડીસ ઈન્વેસ્ટમેન્ટ જીરો થયુ છે. સૌથી મોટી વાત એ છે કે આપણે જે રૂરલ ડેવલપમેન્ટમાં ખર્ચ કરીએ છીએ એ સૌથી ઓછુ કુલ બજેટના માત્ર 2.9 ટકા થાય છે. જ્યારે અન્ય રાજ્યોમાં 5 ટકા એટલે કે આપણા કરતા બમણુ બજેટ વાપરવામાં આવે છે.
એ જ રીતે કૃષિમાં ગુજરાત બજેટના માત્ર ચાર ટકા જેટલી રકમ વાપરે છે. જ્યારે અન્ય રાજ્યોમાં કૃષિ ક્ષેત્ર કુલ બજેટના 5.9 ટકા જેટલી રકમ વપરાય છે. શિક્ષણ ક્ષેત્ર પણ ઓછી ફાળવણીના કારણે આપણે પાછળ છીએ. શિક્ષણ માટે આપણે કુલ બજેટના 15.1 ટકા રકમની ફાળવણી કરી છે, જ્યારે અન્ય રાજ્યોમાં શિક્ષણ પાછળ 16.5 ટકા જેટલો ખર્ચ થાય છે. ઓછા ખર્ચના કારણે શિક્ષણને નુકશાન થઈ રહ્યું છે, રાજ્યમાં 30 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેના કારણે 14 થી 18 વર્ષની ઉંમરના 25 ટકા બાળકો ગુજરાતી લખી વાંચી શકતા નથી. 42.7 ટકા બાળકોને અંગ્રેજી લખતા-વાંચતા આવડતુ નથી. એવી જ રીતે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માટે બજેટના માત્ર અઢી ટકાની જોગવાઈ છે, જ્યારે બીજા રાજ્યો 3.5 ટકા ખર્ચ કરે છે. આપણે પોલીસ વિભાગ પાછળ બજેટના માત્ર 2.9 ટકા ખર્ચ કરીએ છીએ, જ્યારે અન્ય રાજ્યોમાં 4.2 ટકા કરવામાં આવે છે. જેના કારણે ગુજરાતમાં ક્રાઈમરેટ પ્રતિ લાખની વ્યક્તિએ 549 છે, જ્યારે અન્ય રાજ્યોમાં 164 નો છે. જેને ઘટાડવા માટે આપણે પુરતા પોલીસ સ્ટાફની ભરતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવો જોઈએ. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણી પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો છે, આ દરિયા કિનારાને એક્સપ્લોર કરીને ફિશરીશ, મરીન મિનરલ્સ, ટુરિઝમ, બોટિંગ જેવા ઉદ્યોગો વિકસાવવા જોઈએ, પરંતુ આ દરિયા કિનારાને એક્સપ્લોર કરવા માટે પણ કોઈ જોગવાઈ બજેટમાં કરવામાં આવી નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે સાબરમતી આશ્રમના બહારના ભાગને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એવુ જ ડેવલોપમેન્ટ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર કિર્તિ મંદિર આસપાસના વિસ્તારમાં પણ થાય, ત્યાં પણ વિશ્વકક્ષાનું આઈકોનિક ડેવલોપમેન્ટ થાય તે જરુરી છે, અત્યારે દેશ-વિદેશમાંથી જે પ્રવાસીઓ કિર્તિ મંદિરની મુલાકાતે આવે છે તે નિરાશ થઈને જાય છે, તેમના માટે ઉત્તમ સુવિધાઓ વિકસાવવી જોઈએ. મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકના બંદરો છે તે બંદરને વિકસાવવાની યોજના લઈને આવવામાં આવે. પ્રાઈવેટ બંદરો વિકસી શકે તો ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકના બંદરો કેમ નહીં? આપણું ગુજરાત મેરિટાઈમ બોર્ડ વિશ્વ કક્ષાનું બની શકે તેટલી ક્ષમતા છે, એ ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થાય તે માટેની જોગવાઈઓ બજેટમાં કરવી જોઈતી હતી.