ગુજરાતની દીકરીએ વિશ્ર્વમાં ડંકો વગાડયો, ઈન્ટરનેશનલ કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યો
30 દેશોના 700થી વધુ ખેલાડીઓમાં નડિયાદની સિયાએ મેદાન માર્યુ
ગુજરાતની પુત્રીએ વિશ્વમાં વગાડ્યો ડંકો, નડિયાદની 19 વર્ષીય સિયાએ ઇન્ટરનેશનલ કરાટેમાં ભારતને ગોલ્ડ અપાવ્યો સિયાની આ સફળતા તેની સખત મહેનત, સમર્પણ અને ઉત્તમ કૌશલ્યનું પરિણામ છે. કરાટેની આ વૈશ્વિક સ્પર્ધામાં વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે આવ્યા હતા.
ગુજરાત માટે ગૌરવની પળો આવી છે, જ્યારે નડિયાદની માત્ર 19 વર્ષીય યુવા ખેલાડી સિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. સિયાએ ઞજઅ ના ઓર્લાન્ડો ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 30થી વધુ દેશોના 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તે જોતાં સિયાની આ સિદ્ધિ ખૂબ જ મોટી અને મહત્ત્વપૂર્ણ ગણી શકાય. તેણે માત્ર ગોલ્ડ જ નહીં, પરંતુ કુમિતે ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીતીને ભારત માટે ડબલ સિદ્ધિ મેળવી છે.
ગોલ્ડ મેડલ જીતીને તેણે સાબિત કરી આપ્યું છે કે ગુજરાતની દીકરીઓ માત્ર શિક્ષણમાં જ નહીં, પરંતુ રમતગમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ કોઈથી પાછળ નથી. સિયાએ ભારતને આંતરરાષ્ટ્રીય કરાટેના મંચ પર જે ગૌરવ અપાવ્યું છે, તેનાથી નડિયાદ અને સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
સિયા જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, ત્યારે તેના પરિવારજનો, કોચ, મિત્રો અને મોટી સંખ્યામાં શુભેચ્છકોએ ઢોલ-નગારા અને ફૂલહાર સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ‘ભારત માતા કી જય’ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.