આજે રજૂ થશે ગુજરાતનું સૌથી મોટું બજેટ, મહિલા, યુવાનો માટે થઈ શકે છે મહત્વની જાહેરાતો
ગઈકાલે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ થયા બાદ આજે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. નાણાપ્રધાન કનુ દેસાઇ આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે. એવું મનાઈ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે.. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.
આજે નાણમંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. કનુભાઈ થોડીવારમાં બજેટ સાથે વિધાનસભામાં પહોંચશે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતાઓ છે. આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો લઈને આવે તેવી સંભાવના છે.લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઇ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.
ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે.