પદ્મનાભ મંદિરમાં સ્માર્ટ ચશ્માધારી ગુજરાતી ઝડપાયો
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરીને ઘુસવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિ ઝડપાયો હતો. વ્યક્તિની ઓળખ 66 વર્ષીય સુરેન્દ્ર શાહ તરીકે થઈ છે, જે મૂળ ગુજરાતનો છે. રવિવારે સાંજે મંદિર સુરક્ષા કર્મચારીઓએ સુરેન્દ્ર શાહને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મંદિરમાં કેમેરા લાગેલા ચશ્મા જેવી ચીજો પર પ્રતિબંધ છે. તેમ છતાં, સુરેન્દ્ર સ્માર્ટ ચશ્મા પહેરીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શાહ મુખ્ય પ્રવેશદ્વારથી મંદિરમાં પ્રવેશ્યો. તેના હાવભાવથી સુરક્ષા કર્મચારીઓને શંકા ગઈ અને તેઓએ તેને પાછો બોલાવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે તેના ચશ્મમામાં સીક્રેટ કેમેરો લગાવેલો હતો.
મંદિર પ્રશાસને સુરેન્દ્ર શાહ વિરુદ્ધ બીએનએસ કલમ 223 (જાહેર સેવકોના કાયદેસરના આદેશોનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ તબક્કે કોઈ ખોટું કામ થયું હોવાની શંકા નથી, પરંતુ તેને પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે.