ગુજરાત યુનિવર્સિટીની ફીમાં રૂા.5000 સુધીનો વધારો ઝિંકાયો
B.A, B.COM સહિત 6 જેટલા કોર્સમાં વધારાને FRCની મંજૂરી : નવા શૈક્ષણિક વર્ષથી વધારાની અમલવારી
ગુજરાત યુનિવર્સિટીએ 6 જેટલા કોર્સની ફીમાં વધારો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. B.A, B.COM સહિત 6 કોર્સમાં સેમેસ્ટર દીઠ 1800થી 5 હજાર સુધીનો ફીમાં વધારો કરાયો છે FRCને ભલામણોના આધારે 6 કોર્સમાં ફી વધારવાની મંજૂરી અપાઈ છે. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી વિદ્યાર્થીઓને વધારા સાથેની ફી ભરવી પડશે.
ગુરુવાર, તારીખ 20/02/2025 ના રોજ યોજાયેલી ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સભામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં લેવાયેલા નિર્ણયોની માહિતી યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ફી રેગ્યુલરિટી કમિટી (FRC) ની ભલામણોને ધ્યાનમાં રાખીને આ ફી વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે FRC ની રચના 9 ડિસેમ્બર 2024 ના રોજ એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી અને 30 ડિસેમ્બર 2024 ના રોજ મળેલી બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને હવે મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સભામાં અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રીનો વિકલ્પ આપવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના નિયમિત અભ્યાસક્રમની સાથે સાથે અન્ય કોઈ ડિગ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે અને પોતાના રસ મુજબની ડ્યુઅલ ડિગ્રી મેળવી શકશે. તે સિવાય યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અધ્યાપકોની ઘટને પહોંચી વળવા માટે ડેપ્યુટેશન પર અધ્યાપકોની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે, જેથી વિદ્યાર્થીઓને સિનિયર અધ્યાપકોનો લાભ મળી રહે. ગુજરાત યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓને વધુ સારી બનાવવા અને રમતોને પ્રોત્સાહન આપવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવાનો અને જરૂૂરી સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય પણ સભામાં લેવામાં આવ્યો હતો.ફી વધારાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં થોડી નિરાશા જોવા મળી શકે છે, પરંતુ યુનિવર્સિટી પ્રશાસનનું માનવું છે કે આ વધારો સંસ્થાના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂૂરી છે.
ઘણા સમયથી વધારો કર્યો નહોતો - સત્તાધીશો
યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને વર્તમાન સમયમાં સંસ્થાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ મામૂલી વધારો અનિવાર્ય હતો. તેઓએ એ પણ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી લેવામાં આવતી એફિલિએશન ફીમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે.
કયા કોર્સની ફી કેટલી વધી
PHDની ફી 7900ના બદલે વિદ્યાર્થીઓએ હવે 12 હજાર 400 ફી ભરવી પડશે. B.A અને B.COMની ફી 5750થી વધારીને 7500 કરાઇ છે. BCAની ફી 13 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવી છે. BBAની ફી 11 હજારથી વધારીને 13,200 કરાઇ છે. કોલેજ પાસેથી પ્રતિવર્ષ લેવાતી એફિલીએશન ફીમાં પણ વધારો થયો છે.