ગુજરાતનું સચિવાલય બનશે સેન્ટ્રલી A.C.
ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલા નવા સચિવાલયના તમામ 14 બ્લોકમાં કેન્દ્રીય વાતાનુકૂલન (AC) સિસ્ટમ સ્થાપિત કરવા માટે ₹110 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતિઓને સુધારવાનો અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.
આ પહેલ ગુજરાત વહીવટી સુધારણા આયોગના પ્રથમ અહેવાલમાં કરાયેલી ભલામણો પર આધારિત છે. આ ભલામણોને પગલે સરકારે નવી સુવિધાના અમલીકરણ માટે કાર્યવાહી કરી છે.
માર્ગ અને મકાન વિભાગના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર (મશીનરી અને ઇક્વિપમેન્ટ) બી.એસ. દેસાઈના જણાવ્યા અનુસાર, પ્રોવાઇડિંગ એન્ડ ઇરેક્ટિંગVRV/VRF સેન્ટ્રલ અઈ પ્લાન્ટ ફોર બ્લોક નં. 1 થી 14 એટ ન્યૂ સચિવાલય કેમ્પસ શીર્ષક હેઠળની યોજના અંતર્ગત સચિવાલય સંકુલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત કરવામાં આવશે.
તેમણે નિર્દેશ કર્યો કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, સરકારનો લક્ષ્ય સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાનું રક્ષણ કરવાનો છે, તેમજ મુલાકાતી નાગરિકો અને અરજદારોને અતિશય ગરમીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવાનો છે. આ જ કારણોસર સચિવાલય સંકુલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત વહીવટી સુધારણા આયોગે સરકારી કાર્યાલય વહીવટ સુધારવા માટે કર્મચારીઓ અને જનતા પાસેથી પ્રતિસાદ માંગ્યો ત્યારે વાતાનુકૂલન માટે ઘણી ભલામણો પ્રાપ્ત થઈ હતી. પરિણામે, આયોગે અઈ સિસ્ટમ સ્થાપિત કરવાની ભલામણ કરી હતી, અને આ પ્રસ્તાવ હવે ₹110 કરોડના મંજૂર ભંડોળ સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.