ગુજરાતમાં 95 IAS, 63 IPS અને 37 IFSની ઘટ
રાજ્યની સુપ્રીમ પોસ્ટમાં રહેલા કમલ દયાણી, સુનયના તોમર, એસ.જે. હૈદર સહિત 25 અધિકારીઓ વર્ષના અંતે નિવૃત્ત થશે
ગુજરાતમાં ભારતીય વહીવટી સેવાની અલગ અલગ ત્રણ કેડરમાં કુલ 195 જેટલા અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે, જેમાં સૌથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS)માં ત્યારબાદ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS )માં અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)માં પોસ્ટ ખાલી પડી છે. જેમાં 95 IAS, 63 IPS અને 37 IFSની પોસ્ટનો સમાવેશ થાય છે.
કોઈપણ રાજ્યના શાસન ચલાવવા માટે વહીવટી દ્રષ્ટિએ આ ત્રણેય કેડર મહત્વનો ભાગ ભજવતી હોય છે. દેશના વિવિધ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ ક્યારેય પૂર્ણ થઇ નથી. ભારતીય વહીવટી સેવામાં કુલ 313 સામે 218 અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેવી જ રીતે ભારતીય પોલીસ સેવામાં 208ની સામે 145 તેમજ ભારતીય વન સેવામાં 125 સામે 88 અધિકારીઓ ફર બજાવી રહ્યા છે. આ રીતે જોવા જઈએ તો ભારતીય વહીવટી સેવામાં ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ સામે 95 અને ભારતીય પોલીસ સેવામાં ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ સામે 63 તેમજ ભારતીય વન સેવામાં ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ સામે 37 જગ્યાઓ ખાલી છે. બીજી તરફ આ ત્રણેય કેડરમાં પ્રતિવર્ષ સરેરાશ એક ડઝન કરતાં વધુ અધિકારીઓ વયનિવૃત્ત થતાં હોય છે.
નોંધનીય છે કે, IAS કેડરના અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં, IPS કેડરના અધિકારી પોલીસ વિભાગમાં તેમજ IFS કેડરના અધિકારીઓ વન વિભાગમાં ટોપ ટુ બોટમ ફરજ બજાવતા હોય છે. અને આ ત્રણેય કેડરમાં સેન્ટ્રલ અને સ્ટેટ ડેપ્યુટેશન રિઝર્વની ટકાવારી પણ નિશ્ચિત કરવામાં આવેલી છે.
ગુજરાત સરકાર 2026માં 11મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવા જઇ રહી છે તે પહેલાં એટલે કે 2025માં રાજ્યની IAS કેડરમાં 16 જેટલા અધિકારીઓ નિવૃત્ત થવાના છે, જ્યારે IPS માં 8 અને IFSમાં 2 અધિકારીઓની નોકરી પૂર્ણ થવાની છે. આ ઉપરાંત મહત્વનું છે કે વર્તમાન વર્ષમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોષી ઓક્ટોબર અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જૂન મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાતના વહીવટી તંત્રમાં સુપ્રીમ પોસ્ટ ઉપર ફરજ બજાવતા ત્રણ IAS અધિકારીઓમાં પણ આ જ વર્ષે નિવૃત થવાના છે, જેમાં ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાણી, હાયર-ટેકનિકલ શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર અને ઉર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસજે હૈદરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરીની કુલ 5 અને પ્રિન્સિપલ સેક્રેટરીની 9 પોસ્ટ નિર્ધારિત કરેલી છે.