ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધ
તમામ અધિકારીઓ અને કર્મચારીની રજાઓ રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર થવા ડીજીપીનો આદેશ
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી છે. તો બીજી તરફ ગુજરાતના 18 જિલ્લાઓમાં ગઈકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટની કાર્યવાહી થઈ રહી છે. ભારતે પાકિસ્તાન ઉપર કરેલા હુમલા બાદ કેન્દ્રીય સુરક્ષા એન્જસીના ઈનપુટને પગલે પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા ગુજરાતના કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક વહિવટી અને પોલીસ તંત્રને એલર્ટ રહેવા સુચનાઓ અપાઈ હતી. ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ્દ કરી છે. આ મામલે રાજ્યની ડીજીપી ઓફિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેમાં રજા પર ગયેલા અધિકારીઓ અને કાર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, રાજ્યમાં આગામી મહિનાની 27 જૂન, 2025ના રોજ રથયાત્રા નીકળવાની હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ખાસ અનિવાર્ય સંજોગો સિવાયની રજા પર આગામી 20થી 30 જૂન, 2025 સુધી તમામ પ્રકારની રજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો અનિવાર્ય કારણોસર રજા લેવાની જણાય તો કચેરીના વડાને જાણ કરીને મંજૂરી લેવાની રહેશે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ સ્તરે સમિક્ષા બેઠકો યોજી હતી જેમાં ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ અને સરહદી ક્ષેત્રો ઉપરાંત સ્થાનિક પોલીસ, નાગરિક સંરક્ષણના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ નાગરીક સંરક્ષણના વડા એડીશનલ ડીજીપી સહિત સેક્રેટરીઓ સાથે બેઠક યોજીને બ્લેકઆઉટ અને સરહદી ક્ષેત્રોની સમિક્ષા બેઠકો કરી હતી. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યના રજા પર ગયેલા પોલીસ અધિકારીઓને હાજર આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓઓને મંજૂર થયેલી રજાઓ આકસ્મિત સંજોગોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આમ સબંધિત અધિકારીઓને રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થયા બાદ પોલીસ વિભાગમાં જાણ કરવા જણાવામાં આવ્યું છે.
કોઈ પણ પરિસ્થિતિમાં નાગરીકની માટેની આવી આવશ્યક સેવાઓને ચાલુ રાખવા તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ, હોમગાર્ડ્સ, એનસીસીને સર્તક રાખવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તમામ સોશિયલ અને અન્ય મિડિયા પ્લેટફોર્મ પર અનિચ્છનિય તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રચાર પર કડક નજર રાખવા અને આવી બાબતોમાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સંકલન કરીને તત્કાળ પગલા લેવા પણ આદેશ કર્યો હતો. ગુજરાતમાં પાકિસ્તાન સાથે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સરહદો જોડાયેલી છે આથી, આવા ક્ષેત્રોના ગ્રામિણ વિસ્તારોમાં ઈન્ટેલિજન્સને એક્ટિવ રહીને ઈનપુટ મેળવવા પણ સરકારે સુચનાઓ આપી છે.
