શહેરીકરણમાં ગુજરાત નં.1, વિકાસનું આયોજન માત્ર 7 ટકા વિસ્તારમાં
બે દાયકામાં 70 ટકા વસતિ શહેરોમાં પહોંચી જશે પણ સુગ્રથિત વિકાસના આયોજનનો અભાવ
દર પાંચ વર્ષે 300થી વધુ ગામડાઓનું શહેરીકરણ છતાં મોટાભાગના વિસ્તારોમાં આડેધડ વિકાસ
દેશમાં ગુજરાત 1,96,024 કિમીની સાથે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મું અને વસતિની દ્રષ્ટિએ 9નું સૌથી મોટું રાજ્ય છે. અહીંની 48 ટકા વસતિ શહેરોમાં અને 52 ટકા વસતિ ગામડામાં વસે છે. આમ છતાં દેશમાં સૌથી ઝડપથી શહેરીકરણનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે.
આગામી બે દાયકામાં ગુજરાતના શહેરોમાં રહેતી વસતિ 70 ટકા સુધી પહોંચી જવાની શક્યતા છે.
આવી પરિસ્થિતિમાં ગુજરાતના સુગ્રથિત વિકાસ માટે મોટો વિસ્તાર આયોજન હેઠળ હોવો જોઈએ તેના બદલે હાલ ગુજરાતનો માત્ર 7 ટકા ભૌગોલિક વિસ્તાર જ આયોજન હેઠળ છે અર્થાત ગુજરાતનો ખૂબ મોટો હિસ્સો બિન-આયોજિત રીતે આડેધડ વિકસી રહ્યો છે. કડવું સત્ય એ છે કે, દર 5 વર્ષે ગુજરાતના 300થી વધુ ગામડાઓ શહેરી દરજ્જામાં સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે પેરિ-શહેરી અને જિલ્લા સ્તરીય વિસ્તારોમાં અનિયંત્રિત વિકાસ ઝડપથી વિસ્તરી રહ્યો છે. મોટા પાયે માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક રોકાણોને ધ્યાનમાં રાખીને, આયોજિત શહેરી, ગ્રામીણ અને ઔદ્યોગિક જમીનની માંગ 2047 સુધીમાં ગુજરાતના લગભગ 35 ટકા જમીન વિસ્તાર સુધી વધવાનો અંદાજ છે. જે પાંચ ગણો વધારે છે.
આ વાત કોઈ અધ્ધરતાલ નથી પણ શહેરી વિકાસ વિભાગ દ્વારા નિવૃત્ત સનદી અધિકારી કેશવ વર્માના અધ્યક્ષ સ્થાને રચિત હાઈ લેવલ કમિટીના અભ્યાાસ અહેવાલમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતનો ઝડપી આર્થિક વિકાસ શહેરીકરણમાં નોંધપાત્ર વધારો કરી રહ્યો છે. આ સ્થિતિ જમીનના વધતા આર્થિક મૂલ્ય અને શહેરી વિસ્તારો પર વધતા દબાણને દર્શાવે છે., ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત આ વિસ્તારો, ઉભરતી નવી ટાઉનશીપ, ઉદ્યોગો અને માળખાગત સુવિધાનું આયોજન કરવા છતાં, આયોજન ક્ષમતાનો અભાવ છે. આ વિકાસનું સંચાલન કરવા, આયોજન કવરેજ વધારવા અને ગ્રામીણ-શહેરી સંક્રમણોમાં વ્યવસ્થિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા સ્તરે આયોજન ક્ષમતામાં વધારો કરવો જરૂૂરી છે.