ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાત
ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પક્ષના અગ્રણી ઓ.બી.સી. નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચૂંટણી નહીં લડવાનો અને સક્રિય ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે યુવાનોને તક આપવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી) ના હોદ્દા પરથી પણ મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જગદીશ ઠાકોરે ‘જન આક્રોશ જનસભા’માં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ અંગે ખુલાસો કર્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું, ‘મેં નક્કી કર્યું છે કે હવે હું કોઈ ચૂંટણી નહીં લડું. મારી જગ્યાએ CWC માં પણ કોઈ સારા લોકોને મૂકો. રાહુલ ગાંધીના પરિવારે મને ધારાસભ્ય, સાંસદ અને ઈઠઈનો સભ્ય બનાવ્યો. હું જીવું ત્યાં સુધી ઋણ ઉતારવામાં ક્યાંય પાછી પાની નહીં કરું.
ઠાકોરે પોતાના નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, હું ત્રણ વખત લોકસભા લડ્યો, બે વખત ધારાસભા લડ્યો, આટલા બધા હોદ્દા મળ્યા પછી ક્યાંક તો મારે ખમૈયા કરવાના કે નહીં? હું જીતી તો શકું પણ કોઈને જીતાડી પણ શકું તેવો દાખલો મારે બેસાડવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ પડદા પાછળ રહીને યુવા નેતાઓને સત્તા પર લાવવાનું કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોરનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ આજે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ સાથે એક મહત્વપૂર્ણ બેઠક માટે હાજર છે. આ બેઠકમાં આંતરિક ફરિયાદો અને આગામી રાજકીય રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે.
રાજનીતિના જાણકારોનું માનવું છે કે, જગદીશ ઠાકોરનો આ નિર્ણય ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારો અને નવી નેતૃત્વની પેઢી માટે રસ્તો ખોલી શકે છે. એક અનુભવી નેતાનું ચૂંટણી રાજકારણથી દૂર થવું એ પક્ષ માટે રણનીતિક દ્રષ્ટિએ મોટો વળાંક સાબિત થશે.