જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભાજપના નવનિયુકત પ્રમુખ અને મંત્રીઓનું કરાયું સન્માન, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ
"મંદિર પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને મંત્રીના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે વડાપ્રધાન દેવભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા "સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ"ના મંત્રના ઉલ્લેખ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ધર્મ ત્યારે જ મહાન બને, જ્યારે તે માનવસેવા તરફ દોરી જાય. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજનો આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે, સમાજભાવનાથી થતા દરેક કાર્યો રાજ્ય સરકારને પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આ સંસ્થાની પણ વિશેષતા છે કે, અહીં ધર્મ અને ભક્તિ સાથે સમાજસેવા અને રાષ્ટ્રભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા એ દર્શાવે છે કે, જ્યારે ધર્મ અને રાષ્ટ્રભાવના સાથે ચાલે, ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે છે તે રાજ્યની વિકાસ યાત્રાનો આધાર બની રહ્યા છે.
શિક્ષણ અને કૃષિને રાષ્ટ્રનિર્માણના મજબૂત સ્તંભ ગણાવતાં તેમણે જણાવ્યું કે, ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર ગુજરાતના માઇ-ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઊર્જા આપી છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની તકો ઉભી કરવામાં સહાયરૂૂપ થયું છે. સરકાર પણ યુવા-સામર્થ્ય, કૌશલ્ય-વિકાસ અને ખેતીના આધુનિકીકરણ માટે સતત કાર્યરત છે જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં આ તમામ વિષયો કેન્દ્રમાં રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે.
ખોડલધામના પ્રણેતા નરેશભાઇ અને ટીમ આરોગ્યધામના પણ પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે તેવું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહિં, પરંતુ દર્દીનારાયણ માટે આરોગ્યસેવાનું ધામ બનશે.
કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ મહેનતુ, ખુમારીભર્યો, દયાળુ અને હંમેશા અન્યની સહાયે આવતો સમાજ રહ્યો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે આપેલી રાહતની વિગતો આપવા સાથે તેમણે સમાજના કેટલાક અગ્રણીઓ પણ ખેડૂતોની મદદે આવ્યા છે તે બાબતને બિરદાવતા જણાવ્યું હતું કે સમરસતા આપણો સ્વભાવ અને સહકાર આપણી જીવનશૈલી છે.
કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય તેવા ભારે કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે તેમને મદદરૂૂપ થવા રૂૂ. 10 હજાર કરોડથી વધુ રકમનું સહાય પેકેજ જાહેર કર્યું છે.
પૂર્વ મંત્રી અને નવનિયુક્ત ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલે આ તકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. આ તકે ઉર્જા, કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી જે.વી. કાકડિયા, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ, ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના આગેવાનો, જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ પટેલની સરદાર સાથે સરખામણી કરતાં જગદીશ પંચાલ
સૌરાષ્ટ્રની ભૂમિ પર કાગવડ સ્થિત ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન દેખાયું, ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા મંત્રીઓના સન્માન સમારોહ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદારો ખોડલધામ ખાતે ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલને સરદાર પટેલ સાથે સરખાવ્યાં હતા. તેમણે કહ્યું કે, 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું, તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડવોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું હોવાની ચર્ચાઓ છે.
ખોડલધામ સંસ્થા નહીં એક વિચાર છે: નરેશભાઈ પટેલ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રમુખ નરેશ પટેલે નવરચિત ગુજરાત મંત્રીમંડળને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની સમસ્યાઓના સમાધાન માટે સક્ષમતાપૂર્વક કામ કરવા પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે ખોડલધામને માત્ર એક સંસ્થા નહીં, પરંતુ ’વિચાર’ ગણાવી, અઢારે વર્ણને સાથે રાખી રાષ્ટ્રસેવા કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
ખોડલધામના મૂળભૂત વિચાર પર ભાર મૂકતા નરેશ પટેલે સ્પષ્ટ કર્યું કે, ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે. અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી. તેમણે સમાજના સંગઠન અને એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સમાજના સંગઠન વિશે વાત કરતા, તેમણે સર્વ સમાજને એકતાંતણે બાંધવાની ભાવના વ્યક્ત કરી. જ્યારે જગદીશભાઈએ પણ વાત કરી અને બંને મંત્રીઓએ પણ વાત કરી સમાજના સંગઠન વિશે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની અઢારે વર્ણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે, એવી આજ તકે હું માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમણે સમાજમાં સૌહાર્દ અને સહકાર જાળવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.
વાઘાણી-રાદડિયા-નરેશ પટેલ ભેટી પડયા, અમે હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું જ છે: જયેશ
ખોડલધામ ખાતે સત્કાર સમારોહના અંતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુર જામકંડોરણા ના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું ચિત્ર ઉપસ્યુ હતું. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે.
કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા હતા અને નરેશ પટેલ જયેશ રાદડીયા તેમજ જીતુ વાઘાણી ત્રણેય એક સાથે ભેટી પડ્યા હતા. કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું કે આ ખોડલધામ અમારું આંગણું છે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે સમાજના કામમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે.
નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોર અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ઘણી વખત જે વાતો વહેતી થઈ હોય છે એ સત્યથી વિપરીત હોય છે. સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે. ખોડલધામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.