ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયક ગેરશિસ્ત બદલ પક્ષમાંથી 6 વર્ષ સસ્પેન્ડ
ગાળાગાળી-પૈસાના તોડની ઓડિયો ક્લિપ અને વિવાદિત પોસ્ટે ભોગ લીધો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ, દલિત સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો અને ગાળાગાળી (એટ્રોસિટી ગુનો), તથા પૈસાના તોડતાડ અંગેની ટેલિફોનિક વાતચીતના વિવાદો બાદ તેમને પક્ષમાંથી રવાના કરી દેવામાં આવ્યા છે..નાયકે ભાજપના નેતાઓ સાથેના કોંગ્રેસ નેતાઓના ફોટા મૂકી સોશિયલ મીડિયા પર પક્ષ વિરોધી પોસ્ટ કરી હતી, જે શિસ્તભંગ ગણાયો.
પેટાચૂંટણીમાં હાર અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જે આ સસ્પેન્શનથી વધુ સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં હાર અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને ગંભીર આરોપોને પગલે 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ પ્રદેશ સમિતિએ અમિત નાયક સામે કડક કાર્યવાહી કરતા ત્રણ મુખ્ય કારણો રજૂ કર્યા છે. શિસ્ત સમિતિએ એક ઓડિયો ક્લિપ સાંભળી હતી જેમાં અમિત નાયક દ્વારા દલિત સમાજ માટે અપમાનજનક શબ્દો અને બીભત્સ ગાળોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
શિસ્ત સમિતિને એક અન્ય ઓડિયો ક્લિપ પણ મળી હતી, જેમાં અમિત નાયક પૈસાના તોડતાડ અંગે ટેલિફોનિક વાતચીત કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતને પણ શિસ્ત સમિતિએ ગંભીરતાથી ધ્યાને લીધી છે.
અમિત નાયકે અગાઉ અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો કરીને રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (ભાજપ નેતા) સાથેનો એક ફોટો મૂકીને સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી પોસ્ટ મૂકી હતી. કોંગ્રેસ પ્રદેશ સમિતિએ જણાવ્યું કે, પક્ષના કોઈપણ કાર્યકર્તાને મોવડી મંડળને ફરિયાદ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ સોશિયલ મીડિયા કે વર્તમાનપત્રોમાં જઈને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું ચલાવી શકાય નહીં. પક્ષે એ પણ નોંધ્યું કે નાયકના પણ ભાજપના નેતાઓ સાથેના ફોટા છે, પરંતુ શિસ્ત સમિતિએ તે ધ્યાને લીધા નથી.