ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણી નોટિફિકેશન જાહેર
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપને બે દિવસ બાદ એટલે કે ચોથી ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખ મળશે. 3 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાની અને 4 ઓક્ટોબરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ જ દિવસે પરિણામ જાહેર થશે.
લાંબા સમયથી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખનુ કોકડું ગુંચવાયેલુ હતું. ત્યારે હવે લાંબા સમય બાદ આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ત્રીજી ઓકટોબર ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. કાલે સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા કરવામાં આવશે બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે.