ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ
સક્રિય સભ્ય નોંધણી પૂર્ણતાના આરે, ડિસેમ્બરમાં જિલ્લા તથા મંડલ સ્તરના સંગઠનની રચના અને જાન્યુઆરીમાં પાટીલના અનુગામીની નિમણૂક
ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ હવે બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતાની નોંધણીનું કામ પૂરું થયું છે અને હાલ સક્રિય સભ્યોની નોંધણી ચાલી રહી છે. જે ચાલુ માસના અંત સુધીમાં પૂરી થતાં જ જિલ્લા અને મંડલના સંગઠનની રચનાની કામગીરી હાથ પર લેવામાં આવી શકે છે. રાષ્ટ્રીય સ્તરે જાહેર થયેલા કાર્યક્રમ મુજબ બૂથ કમિટીઓની રચના પછી મંડલ તથા જિલ્લા સંગઠનની રચના કરવામાં આવશે. આ પછી નવા પ્રદેશ પ્રમુખ માટે ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા હાથ પર લેવાશે. બીજી તરફ ડિસેમ્બર માસમાં જ રાજ્યમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા શરૂૂ થવાની હોવાથી સંભવત: સંગઠનની રચનાની કામગીરી થોડી વિલંબમાં પડી શકે એવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત દેશમાં સત્તા સંભાળનાર સરકારમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. પાટીલનો કાર્યકાળ આમેય એક વર્ષ અગાઉ પૂરો થઇ ગયો હતો. વિધાનસભા પછી લોકસભા ચૂંટણીને પગલે એમની મુદત લંબાવાઇ હતી. લોકસભાના પરિણામો પછી કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે જ પાટીલે ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્તિ માટે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ દરખાસ્ત કરી હતી, શનિવારે પણ સુરતમાં પાટીલે તેનો પુનરોચ્ચાર કર્યો હતો. ડિસેમ્બરમાં જિલ્લા, મંડલની રચના થતાં જ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ પર લેવાશે અને જાન્યુઆરી 2025માં નવા પ્રમુખની જાહેરાત થશે. ત્યાં સુધી પાટીલે જ બેવડી જવાબદારી નિભાવવાની રહેશે, તેમ પક્ષના સૂત્રોએ ઉમેર્યું હતું.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે એની સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે ભાજપે તેના સંગઠન પર્વના આગળના પડાવ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભાજપે સપ્ટેમ્બર માસમાં સંગઠન પર્વની જાહેરાત કરી ત્યારે રાજ્યમાં બે કરોડ પ્રાથમિક સભ્યો બનાવવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. પરંતુ આ લક્ષ્યાંક 60 ટકા જેટલો જ પાર થઇ શક્યો છે એટલે કે 1.20 કરોડ જેટલા જ પ્રાથમિક સભ્યોની નોંધણી થઇ શકી છે. અગાઉ થયેલી સભ્ય નોંધણીમાં રાજ્યમાં 1.15 કરોડ પ્રાથમિક સભ્યો નોંધાયા હતા. જોકે, આ વખતે વિક્રમી સભ્ય સંખ્યાના સ્તરે પહોંચી શકાયું નથી. અનેક ઠેકાણે સભ્ય નોંધણીમાં થયેલી ગોબાચારીથી સમગ્ર અભિયાન પર શંકાના વાદળો ઘેરાયા હતા એવા માહોલમાં ભાજપે પ્રાથમિક સભ્ય નોંધણી ઝુંબેશને આગળ ચલાવવા સાથે સક્રિય સભ્ય નોંધણી શરૂૂ કરી હતી.
ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, જે કાર્યકરે પોતાના પ્રયાસોથી ઓછામાં ઓછા 100 પ્રાથમિક નવા સભ્યોની નોંધણી કરાવવામાં સફળતા મેળવી હોય એમને સક્રિય સભ્ય તરીકે નોંધવામાં આવે છે. ભાજપે આ વખતના અભિયાનમાં માત્ર મિસ્ડ કોલથી સભ્ય નોંધવાની સાથે આવા કોલ કે વેબ, સોશિયલ મીડિયા થકી નોંધણી કરાવવા માગતા વ્યક્તિની વિગતો, ફોટા વગેરે મેળવીને સમગ્ર ડેટા બેંક તૈયાર કરવાનો નિર્ણય કર્યો હોવાથી જલ્દીથી કોઇ સભ્ય બનવા તૈયાર થતા નહીં હોવાની જાણકારી મળી છે. હાલ સક્રિય સભ્યોની નોંધણી પૂરી થતા બૂથ કમિટીઓની રચના કરવામાં આવી રહી છે. ભાજપ અંદાજે 54000થી વધુ બૂથ કમિટીઓની રચના માટે પ્રક્રિયા કરી રહ્યું છે. આ પછી 143 મંડળ અને 33 જિલ્લામાં કમિટીઓની રચના ડિસેમ્બરમાં હાથ પર લેવાશે. જેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. ભાજપના બંધારણ મુજબ 70 ટકા સંગઠનની કામગીરી પૂરી થતા જ પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરે પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા થઇ શકતી હોય છે. આ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પૂર્વે 70થી 80 ટકા રાજ્યોમાં પ્રમુખોની ચૂંટણી પૂરી થવી આવશ્યક છે.