શ્રીહરિ નમકીન અને બાલાજી એસ્ટેટમાંથી રૂા.53 લાખની કરચોરી પકડતું GST
મોદી એસોસિએટમાં આવતીકાલ સુધીમાં તપાસ પૂર્ણ થવાની શકયતા
સ્ટેટ જીએસટી દ્વારા તાજેતરમાં રાજકોટના મોદી, શ્રી હરી નમકીન, બાલાજી એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી દ્વારા ત્રણ સ્થળે તપાસ હાથ ધરાઇ હતી. તેમાંથી શ્રી હરી અને બાલાજી એસ્ટેટમાંથી રૂ.53 લાખની કરચોરી પકડાય છે. તેમજ મોદી એસ્ટેટમાં હજુ પણ જીએસટી દ્વારા સર્ચ શરૂ છે. તપાસમાં મળી આવેલા શંકાસ્પદ દસ્તાવેજો અને કરચોરીનો રિપોર્ટ અમદાવાદ ખાતેની હેડ ઓફિસમાં મોકલી દેવામાં આવ્યાં છે.
સ્ટેટ જીએસટીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે પ્રથમ વખત રિઅલ એસ્ટેટનાં ધંધાર્થીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ આ પ્રકારની કયારે કાર્યવાહી કરવામાં આવી નથી. 53 લાખની ટેકસચોરી જયાંથી ઝડપાઇ છે. તે શ્રી હરી અને બાલાજી એસ્ટેટમાં મોટાભાગે રોકડથી વ્યવહારો થતા હતા અને આવા વ્યવહારો કરનારની યાદી હાલ જીએસટી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
વધુમાં માધાપાર ચોકડી ખાતે ઓફિસ ધરાવતા મોદી એસોસિએટમાં તપાસ ચાલુ છે અને આવતિકાલ સુધીમાં તપાસ પૂર્ણ થઇ જશે તેમાંથી પણ મોટી કરચોરી પકડાઇ તેવી શકયતા જોવા મળી રહી છે. હાલ મોદી એસ્ટેટમાંથી મળી આવેલા શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. વધુમાં તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકસચોરી કરનાર પાસેથી પેનલ્ટીની પણ વસૂલાત કરવામાં આવશે અને જે પણ આ કરચોરીમાં સંકળાયેલા છે. તેમની તપાસ પણ કરવામાં આવશે.