રાજકોટ જિલ્લામાં 29 કેન્દ્રો પરથી 4030 ખેડૂતોની મગફળી ખરીદાઇ
કુલ 1.77 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
રાજ્યના 160થી વધુ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 29 સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. કુલ રજીસ્ટ્રેશન: રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.77 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
અત્યાર સુધીમાં 4,030 ખેડૂતો પાસેથી કુલ 94,446 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ ચૂકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,552 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે એક મણ મગફળીના ₹1,356.60 જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ ₹1,100 થી ₹1,200 મળી રહ્યા છે. બજારભાવ કરતા ટેકાના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો આ વર્ષે ટેકાના ભાવે વેચાણ માટે વધુ રસ દાખવી રહ્યા છે.