ગોંડલમાં સરદાર જયંતિએ વિનુ શિંગાળાની પ્રતિમાનું ભૂમિપૂજન
પાટીદાર નેતાઓની જાહેરાતથી ફરી રાજકીય ગરમાવો, જયરાજસિંહ મુખ્ય નિશાન ?
ગોંડલમા ચાલી રહેલા ‘કબજા’ ના રાજકારણમા ફરી એક વખત ગરમાવો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગોંડલનાં કાંડાબળીયા રાજકારણ સામે મેદાને પડેલા પાટીદાર નેતાઓએ આગામી સરદાર જયંતિનાં દિવસે ગોંડલમા સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમાનુ ભૂમિપૂજન કરવાની જાહેરાત કરતા રાજકારણમા ગરમાવો આવી ગયો છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આ કાર્યક્રમનુ મુખ્ય નિશાન હોવાનુ મનાય છે.
પાટીદાર અગ્રણી જગીષા પટેલ, હેમાંગ પટેલ અને રાજુ સખિયા સહિતનાં અગ્રણીઓએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, 31 ઓકટોબરે એટલે કે સરદાર પટેલ જયંતી પર ગોંડલમાં પાટીદાર સમાજ મોટો કાર્યક્રમ યોજશે. આ દરમિયાન, વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાશે, જેમાં તમામ સમાજને જોડાવવાનો પ્રયાસ કરાશે. જિગીષા પટેલે કહ્યું કે, ગોંડલ મુદ્દે ફરીથી એકઠા થયા છે. ગોંડલમાં ગુંડાગીરીને ખતમ કરવી એ જ અમારું ધ્યેય છે. ગુંડાઓની લડાઈનો ભોગ પાટીદાર સમાજ બને છે. ગોંડલ સામેની લડાઈમાં સૌ સાથે છીએ.
જ્યારે હેમાંગ પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં સાંસદ હનુમાન બેનિવાલ અને રોહતકના સાંસદ દિપેન્દરસિંહ હુડ્ડાને પણ આમંત્રિત કરીશું. ઉપરાંત, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઈટાલિયાને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવશે. જયરાજસિંહ, અનિરુદ્ધસિંહની ગુંડાગીરી ખતમ થવી જોઈએ. જ્યારે, રાજુ સખિયાએ જણાવ્યું કે, ગોંડલનો લોહીયાળ ઈતિહાસ આવતી પેઢીને નથી આપવો. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, કોઈ પણ લડાઈ એક વ્યક્તિથી નહીં પણ જુથથી લડાય છે. આ કાર્યક્રમ થકી વધુમા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરાશે. તમામ પાટીદાર નેતાઓ અને અઢારે વર્ણના લોકોને જોડવાની કોશિશ છે.
ઉલ્લેખનીય છે કે , વર્ષો પહેલા ભાજપનાં યૂવા નેતા વિનુ શિંગાળાની રાજકોટ ખાતે તેના બંગલામા હત્યા થઇ હતી અને તેમા જયરાજસિંહ જાડેજા સહિતનાં ગોંડલના જૂથ સામે કેસ ચાલ્યો હતો જેમા તમામ નિર્દોષ છૂટયા હતા.