રંગીલા સોસાયટીમાં પુત્રએ પૌત્રને ઠપકો આપતા દાદીનો આપઘાત
શહેરમાં રંગીલા સોસાયટીમાં વૃદ્ધાએ પોતાના ઘેર ઉપરના માળે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પૌત્ર રાત્રે ઘેર મોડો આવતો હોય જે બાબતે પુત્રએ ઠપકો આપતા વૃદ્ધાને લાગી આવતા પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રંગીલા સોસાયટીમાં રહેતા ઇન્દુબેન રાજુભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધા તેના ઘેર ઉપરના માળે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પરિવારના લોકો બોલાવવા જતા વૃદ્ધાને લટકતી હાલતમાં જોઈ દેકારો કરતાં પરિવાર તેમજ પાડોશના લોકોએ દોડી આવી વૃદ્ધાને નીચે ઉતારી જાણ કરતાં 108ની ટીમે પહોંચી તબીબે વૃદ્ધાને મૃત જાહેર કરતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર નારણભાઈ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ઇન્દુબેનનો પૌત્ર ઘેર રાત્રીના મોડો આવતો હોય જેથી તેના પુત્રએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આજી ડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના ભારતનગરમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો મનોજ રાજકુમાર (ઉ.20) એ પોતાના ઘેર હતો ત્યારે છતના એંગલમાં રૂૂમાલ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ વાંધેલા સહિતના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.