પાળિયાદમાં રમતા-રમતા દૌહિત્રી ટાંકામાં પડી તેને બચાવવા નાની પણ કૂદ્યા, બન્નેનાં મોત
પાળીયાદ ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી 3 વર્ષની ભાણી અને 40 વર્ષના નાનીના મોત થયા છે. નાની બાજુની ચોકડીમાં કપડા ધોતા હતા ત્યારે ભાણી બાજુમાં જ રમતી હતી. રમતા રમતા તે ટાંકા તરફ ગઇ અને ખુલ્લા ટાંકામાં પડી હતી. જે જોઇ જતા તુરંત તેના નાની દોડ્યા અને તેને બચાવવા પાણીના ટાંકામાં પડયા હતા. જેમાં ઉંડા ટાંકામાં ડુબી જતા બન્નેના મોત થયા હતા.
ચોટીલાના પાળીયાદ ગામે હરજીભાઇ ઉઘરેજીયા રહે છે. તેમની દીકરી ભાવનાબેનને ચોટીલાથી માત્ર 7 કિમી દૂર આવેલા પાંજવાડી ગામે રહેતા સાહિલભાઇ સાથે પરણાવી છે. ભાવનાબેનને સંતાનમાં 3 વર્ષની ગોપી અને 1 વર્ષનો દીકરો છે. ભાવનાબેન અને પરિવારના અન્ય લોકો બાજુમાં જ આવેલા રહેણાંકવાળા મકાને હતા.
બપોરનો સમય હોય જમીને બધાય આરામ કરતા હતા ત્યારે નાની ભાનુબેન અને ગોપી બાજુના મકાને કપડા ધોવા ગયા હતા. હરજીભાઇ સૂઇને જાગ્યા ત્યારે દીકરાને કહ્યું કે તારા મમ્મીને બોલાવ અને ચા મૂકે મારે હોટલ જવાનું છે. પરંતુ બંને ઘરમાં તપાસ કરવા છતા ભાનુબેન અને ગોપીનો પત્તો મળ્યો ન હતો.
ત્યારે કાયમ બંધ રહેતું પાણીના ટાંકાનું ઢાકણું ખુલ્લો જોતા તેમાં તપાસ કરી તો ભાણી અને નાનીના મૃતદેહ મળી આવ્યા હતા.10 ફૂટ ઊંડા ટાંકામાં 9 હજાર લીટરથી વધુ પાણી હતું ઘરમાં પાણીના સંગ્રહ માટે 10 ફૂંટ ઊંડો ટાંકો બનાવવામાં આવ્યો હતો. જેની 10 હજાર લીટર પાણીની ક્ષમતા હતી. તેમાં અંદાજે 9 હજાર લીટર જેટલું પાણી ભરેલું હતું. બોર હોય આ ટાંકો કાયમને માટે ભરેલો જ રાખતા હતા.
કપડા ધોવા કે અન્ય કામ માટે આ ઘરે આવતા હતા. બાજુના ઘરે કપડા ધોવા ગયા તો નાની ભાણીને સાથે લઇ ગયા હરજીભાઇને બાજુબાજુમાં 2 મકાન છે. જેમાં 1 મકાનમાં તેઓ રહે છે. બીજું મકાન બંધ જેવી હાલતમાં હોય છે. નાની ભાનુબેન જ્યારે કપડા ધોવા ગયા ત્યારે ભાણી ત્યાં રમશે તેમ વિચારીને સાથે લઇ ગયા હતા.