યુવાનને ચાની ચુસ્કી મોંઘી પડી! પાર્ક કરેલા એક્ટિવાની ડેકીમાંથી 15 હજારની ચોરી
ચુનારાવાડ ચોક પાસેની ઘટના: સીસીટીવી ફૂટેજ પરથી તસ્કરની ઓળખ મેળવી
રાજકોટ શહેરના ચુનારાવાડ ચોકથી દુધસાગર રોડ પર એકિટવા પાર્ક કરી ચા પીવા ગયેલો યુવાન પરત ફરતા તેમના એકટીવાની ડેકી તુટેલી હાલતમાં હતી અને તેમાંથી રોકડા રૂા.15 હજારની ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું. આ મામલે થોરાળ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરાઇ છે.બનાવની મળતી વિગતો અનુસાર, નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સિતાજી ટાઉનશીપ વિંગ-બી કવાર્ટર્સ નંબર 301માં રહેતા રાકેશભાઇ ગણેશભાઇ યાદવ (ઉ.વ.30) નામના યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇ તા.15ના રોજ તેમનો મિત્ર હરેશભાઇ જીવરાજભાઇ રૈયાણી એેમ બન્ને જુની કાર લેવી હોય જેથી કુવાડવા ડીમાર્ટ પાસે રહેતા તેમના મિત્ર ઋત્વીક રાજપુતને ત્યાં ઘરે કાર જોવા ગયા હતા ત્યાંથી એકટીવા લઇ નીકળ્યા હતા તે સમયે તેમના એકટીવાની ડેકીમાં રોકડ રૂા.15 હજાર હતા. કાર જોઇ પરત ફરતા ચુનારાવાડ ચોક પાસે ટ્રાફીક હોય જેથી ત્યાં દુધસાગર રોડ પર એકટીવા પાર્ક કરી નજીકમાં જ જય અંબે પાન કોલ્ડ્રીંકસમાં ચા પીવા ગયા હતા અને પંદરેક મીનીટમાં પરત ફરતા તેમની એકટીવાની ડેકી તુટેલી હાલતમાં હતી અને અંદર જોતા રોકડ રૂા.15 હજાર જોવામાં ન આવતા તેઓએ થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.આ મામલી પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરીમાં ટીમોએ સીસીટીવીની મદદથી તપાસ કરી આરોપીની ઓળખ મેળવી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.