રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર
બીજી જૂને જાહેરનામું, 25મીએ મતગણતરી
ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ અંતે જાહેર થઇ છે. આગામી તા.22 જૂનના રોજ મતદાન થશે જયારે તા.25 જૂનના રોજ પરિણામો જાહેર થશે, પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આજથી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.
ગુજરાત ચૂંટણી પંચના કમિશનર એસ.મુરલીકિષ્ણાએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તા.9 જૂન સુધી ઉમેદવારીપત્રકો ભરી શકાશે આ માટે તા. બીજી જૂનના રોજ જાહેરનામુ બહાર થશે તા.11 જૂન સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે.લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી. ત્યારે હવે OBC અનામત મુદ્દે અટકી પડેલી ચૂંટણીનો માર્ગ મોકળો થતા હવે ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને મતદારયાદી તૈયાર કરવા સૂચના આપી હતી.
આ માટે તેમને 19 મે સુધીમાં યાદી તૈયાર કરીને સુપરત કરવાની સુચના અપાઈ હતી. વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ હતી.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ, OBC અનામત મુદ્દે ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ અટકી પડી હતી, ત્યારે હવે આ ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગે અગાઉ તમામ જિલ્લા કલેકટરોને ચૂંટણીને લઈને એલર્ટ થઈ જવાની સૂચના આપી હતી. હવે મળતી માહિતી અનુસાર, 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે, એ તમામ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.