ગુજરાતના રાજ્યપાલની મુદત પૂરી, ભાજપના નેતાને મળશે ચાન્સ?
એક-બે સિનિયર નેતાઓને તક, યુ.પી.ના રાજયપાલ આનંદીબેનની મુદત પણ પૂરી થશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે.
આચાર્ય દેવવ્રત તારીખ 19મી જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂૂઢ થયા હતાં. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી. જયાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતાં. કેટલાંક રાજ્યોના રાજ્યપાલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પણ તારીખ 22મી જુલાઈએ સમય અવધિ પૂર્ણ થઈ રહી છે. તે જોતાં તેમની વિદાય નક્કી છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં વિવિધ રાજ્યોના રાજ્યપાલોના નામોની સંભવત જાહેરાત થઈ શકે છે. જેમાં ગુજરાતના રાજ્યપાલનું નામનું ય એલાન થઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં હાલ રાજ્કીય કમઠાણ જામ્યુ છે. ત્યારે રાજ્યપાલપદે આનંદીબેન પટેલનો ય કાર્યકાળ આ જ મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. આ જોતાં સૌની નજર હવે રાષ્ટ્રપતિ ભવન પર મંડાઈ છે. એવી ય ચર્ચા છેકે, ગુજરાતમાં ભાજપના એકાદ બે સિનિયર નેતાઓને રાજ્યપાલપદ મળી શકે છે.
ગત વખતે રાજ્યપાલ તરીકે ભાજપના ઘણાં સિનિયર નેતાઓના નામોની ચર્ચા હતી. પણ અચાનક જ આનંદીબેન પટેલ અને મંગુભાઈ પટેલને રાજ્યપાલપદ અપાયુ હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો કાર્યકાળ હજુ પૂર્ણ થયો નથી. દરમિયાન ભાજ ગુજરાતના કયા સિનિયર નેતાને રાજ્યપાલ બનાવશે તે અંગે અટકળો દોર શરૂૂ થયો છે. આમ, ગુજરાતમાં નવા રાજ્યપાલપદે કોની નિયુક્તિ થશે તે અંગે અત્યારથી ઉત્સુકતા જાગી છે.
જુલાઇ માસના અંતિમ સપ્તાહમાં અથવા તો ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.મંત્રીમંડળના મોટા ફેરફારના એંધાણ છે. કેટલાંક મંત્રીઓને પડતા મૂકવાનું લગભગ નક્કી છે જયારે કેટલાંક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. પરર્ફમન્સ નબળુ હોવાથી કેટલાંક મંત્રીઓને ઘરભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. આ બધીય પરિસ્થિતી વચ્ચે તારીખ 22મી જુલાઇએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદાય લઈ રહ્યા છે.
નવા રાજ્યપાલનું નામ એકાદ બે દિવસમાં જાહેર થઈ શકે છે તે જોતાં જ મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે. હાલ આચાર્ય દેવવ્રતજીના સ્થાને કોની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થાય છે તે અંગે રાજભવનમાં ચર્ચા ચાલી રહી છે.