ખેડૂતોની યોજનાઓ કરતા સરકારનો પબ્લિસિટી ખર્ચ વધુ: પાલ આંબલિયા
ટ્રેકટર સહાય યોજનામાં જાહેરાત 412 કરોડની અને ચૂકવાયા 30.48 કરોડ
તાર ફેન્સિંગ યોજનામાં પણ 350 કરોડની જાહેરાત સામે માત્ર 54.20 કરોડનું ચૂકવણું
ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવે છે. અને ખેડૂતોને (રફળિયતિ) લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને કરોડોનું બજેટ બહાર પાડે છે. પણ વાસ્તવિકતા અલગ છે. સરકાર ખાલી મોટા-મોટા આંકડા બહાર પાડીને પોતાની પબ્લિસિટી કરે છે. ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ સરકારના ખોટા આંકડાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
ખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારના બતાવવાના અને ચાવવાના દાત અલગ છે. સરકાર પ્રેસ કોન્ફરન્સ, પબ્લિસિટીથી ચાલતી સરકાર છે.
હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ સરકાર આપતી નથી. સામાજિક આર્થિક સર્વેક્ષણ રાજ્ય સરકાર પોતે જ કરે છે. રાજ્ય સરકારના આ સર્વેના રિપોર્ટે સાબિત કરી દીધું કે સરકાર જાહેરાત જીવી સરકાર છે. ટ્રેકટર સહાય યોજના જાહેરાત 412 કરોડ અને ચૂકવાયા 30.48 કરોડ છે.
તાર ફેંસિંગ યોજના જાહેરાત 350 કરોડ અને ચૂકવાયા 54.20 કરોડ છે. સોલાર ફેંસિંગ યોજના જાહેરાત 50 કરોડ ચૂકવાયા 13.7 કરોડ છે. પાક નુકશાની સહાયમાં પણ સરકાર માત્ર જાહેરાતો જ કરે છે. પાલ આંબલિયા એ સરકારને ચેલેન્જ કરી છે. અતિવૃષ્ટિ પાક નુકશાની 1719 કરોડ સહાયની જાહેર સામે ચૂકવાયા કેટલા ?? અતિવૃષ્ટિ પાક નુકશાની સહાયમાં 1719 કરોડ સામે સરકારે 500 કરોડ પણ નહીં ચૂકવ્યા હોય. જો સરકારે ખરેખર ચૂકવ્યા હોય તો તે આંકડાઓ જાહેર કરે.