સરકારનો સપાટો, GPCBના 170 અધિકારીઓની સાગમટે બદલી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા મોટાપાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા GPCB ના કૂલ 171 અધિકારીઓની બદલી કરી નાખતા ચકચાર મચી ગઇ છે. લાંબા સમયથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી સરકારને ફરિયાદો મળતી હતી. જેમાં જેતપુરના સાડી ઉદ્યોગથી ફેલાતું પ્રદૂષણ હોય, દ્વારકાના મીઠાપુરમાં થતું પ્રદૂષણ હોય કે કોઇ પણ કારણોથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર સવાલો ઉઠતા હતા.
સરકાર દ્વારા એક સાથે કૂલ 171 અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. જેમાં વૈજ્ઞાનિક અધિકારી, સિનિયર વૈજ્ઞાનિક અધિકારી, નાયબ પર્યાવરણ ઇજનેર, મદદનીશ પર્યાવરણ ઇજનેર સહિતના અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. સરકાર દ્વારા એક સાથે સપાટો બોલાવાતા અધિકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે, લાંબા સમયથી સરકાર દ્વારા એક પછી એક બદલીઓનો દોર યથાવત્ત છે. આઇએએસથી માંડીને ક્લાર્ક સુધી તમામ લોકોને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા જિલ્લા બહાર પણ બદલીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા જો કે આ બદલી અંગેના સ્પષ્ટ કારણો અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.