સરકાર જાગી, રાજ્યભરમાં નાના-મોટા બ્રિજની તાકિદે ચકાસણી કરવા હુકમ
રાજકોટ કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સાંજ સુધીમાં માંગ્યો રિપોર્ટ
આણંદ નજીક ગંભીરાબ્રિજ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં નાના-મોટા તમામ બ્રિજની સ્થિતીની ચકાસણી કરી સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલીક મુખ્યકચેરીને પહોંચાડવા ગાંધીનગરથી આદેશો છૂટ્યા છે.
દરેક જિલ્લા કલેક્ટરોને પણ આ માટે જરૂરી સંકલ સાધી જિલ્લાવાઇઝ રિપોર્ટ લેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને પ્રમાણમાં ભારે વરસાદ પડ્યો હોવાથી જૂના પૂલો જોખમી બન્યા હોય, રાજ્યના દરેક જિલ્લામાં આવેલ નાના-મોટા તમામ બ્રિજની સ્થિતીની ચકાસણી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી પરનો બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં ભારે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવતા તંત્ર હરકતમાં છે.
આ ઘટનાના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના તમામ નાના-મોટા બ્રિજના રિપોર્ટ આજ સાંજ સુધીમાં તૈયાર કરી રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. કલેક્ટર ડો. પ્રકાશ ઓમ દ્વારા તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે. બપોર બાદ જિલ્લાના તમામ ઈજનેરો,માર્ગ અને મકાન વિભાગ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લાના વિવિધ નાના-મોટા બ્રિજોની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.