વેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશે
શિક્ષણમંત્રી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ
રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશન પુરૂ થાય તે પહેલા શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સરકાર 22 હજારથી વધારે શિક્ષકોની ખાલી જગ્યા ભરશે. આગામી દિવસોમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આવડી મોટી ખાલી જગ્યા ભરવા સરકાર એકશનમાં આવી હોવાની ચર્ચા પણ નિષ્ણાંતોમાં થઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 21મીના બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને (1) રાજ્યભરમાં જિલ્લાવાર શાળાઓમાં 22,000થી વધુ શિક્ષકો, વિધા-સહાયકો અને જ્ઞાન સહાાયકોની ખાલી જગ્યાઓ ઉઘડતી શાળા અગાઉ તાત્કાલિક ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જણાવા મળ્યા મુજબ રાજ્યભરમાં જૂનથી શાળાઓ ખુલવાની શરુઆત થશે ત્યારે સરકાર માટે સૌથી પરેશાન કરતો મુદ્દો, તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, વિધા-સાહયકો અને તેમના સ્થાને મૂકાતા જ્ઞાનિ સહાયકોની ખાલી જગ્યાઓ છે. તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન પણ વિપક્ષ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓ બાબતે સરકારને બરાબરની ભીંસમાં લેવાઈ હતી.
એક તબક્કે તો, વિપક્ષ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 40,000 કરતાં પણ વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં હવે મુખ્યમંત્રીએ, મંત્રીમંડળની બેઠકમાં જૂન-2025માં શાળાઓ ખુલવાની શરુઆત થાય તે પહેલાં એટલે કે અત્યારથી જ શિક્ષકોની ખાલી જગ્યાઓની જિલ્લા-તાલુકા, શહેરવાર વિગતો મેળવીને આ ખાલી જગ્યાઓ ભરવા અંગે શિક્ષણ મંત્રી અને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓને ખાસ આદેશ કર્યો છે. આ ભરતી પ્રક્રિયામાં કઈ કેટરમાં કોને પ્રાથમિકતા આપવી તે બાબતે પણ શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.