ખાનગી ટયુશનની મનમાની અને વધતી ફીને નિયંત્રણમાં લાવવા સરકાર ફરી કાયદો ઘડશે
ખાનગી ટ્યુશન સંચાલકો પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકારે કાયદો બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકોની મનમાની અને વધતી જતી ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવવાની તૈયારી શરૂૂ કરી દીધી છે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગે એક કમિટી ની રચના કરી હોવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે સરકાર હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર અંકુશ લાવવા માટે ગંભીર છે. ગુજરાત સરકારનું આ પગલું શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વનો સુધારો લાવવાની સંભાવના ધરાવે છે. કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો ખાનગી ટ્યુશન સંચાલકો માટે કેવી માર્ગદર્શિકા તૈયાર કરે છે, તે જોવું રહ્યું.
આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશનર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.
આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે. આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે.