રજાના દિવસે પણ સરકારી કચેરીઓ ચાલુ રહી
કેશડોલ્સ-ઘરવખરી નુકસાન સહાય રવિવારે પણ ચૂકવાઇ
તાજેતરમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને મળવાપાત્ર સહાય ચૂકવવા માટે રવિવારની જાહેર રજાના દિવસે પણ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત રહ્યું હતું. અને અસરગ્રસ્તોને કેશ ડોલ્સ, ઘરવખરી સહાય તથા પશુમૃત્યુ સહાયના ચૂકવણા કરવામાં આવ્યા હતા. કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા ચીફ ઓફિસરો પાસેથી નુકસાની સહાય/કેશડોલ્સના સર્વે /ચૂકવણાં તથા પશુઓના મૃત્યુ અંગેની સહાય સહિત તમામ બાબતોની વિગતો મેળવી હતી, તથા આ સહાય ચૂકવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
સમગ્ર રાજકોટ જિલ્લા તથા શહેરના કુલ 2475 લાભાર્થીઓને કેશ ડોલ્સ ચુકવાઇ ગઈ છે. 46 વ્યક્તિઓને ઘરવખરીની સહાય અપાઈ ગઈ છે તથા 105 જેટલા પશુઓના મૃત્યુ અથવા ઈજા અંગેની સહાયનુ ચૂકવણું થઈ ગયું છે.
આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, જિલ્લા પુરવઠા અધિકારી રાજે વંગવાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ સર્વ મહેક જૈન, ચાંદની પરમાર અને વિમલ ચક્રવર્તી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સંબંધિત તાલુકાઓના લાયઝન અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસર્સ, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.