For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1 હજાર કરોડની સરકારી જમીનો કરી દબાણમુક્ત : રાજકોટ કલેક્ટર ડો. પ્રભવ જોષીની અસરકારક કામગીરી

05:22 PM Jun 19, 2025 IST | Bhumika
1 હજાર કરોડની સરકારી જમીનો કરી દબાણમુક્ત   રાજકોટ કલેક્ટર  ડો  પ્રભવ જોષીની અસરકારક કામગીરી

રાજકોટની બે મોટી યોજના એઈમ્સ અને હિરાસર એરપોર્ટ કાર્યરત કરવામાં ચાવીરૂપ ભૂમિકા, 9 સરકારી યોજનામાં 100 ટકા સિદ્ધિ

Advertisement

નાગરિક બેંકની ચૂંટણીનો પડકાર સફળતાપૂર્વક પાર પાડ્યો, વિવાદો વચ્ચે પણ 2024માં લોકમેળો યોજી બતાવ્યો, અનેક સંવેદનશીલ નિર્ણયો

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. બે વર્ષ અને બે માસના ટૂંકા કાર્યકાળમાં જ તેમની બદલીના આદેશ આવતા રાજકોટના વહીવટી વર્તુળોમાં અને જાહેર જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી છે.

Advertisement

કલેક્ટર પ્રભવ જોષીના કાર્યકાળની સૌથી મહત્વપૂર્ણ અને યાદગાર કામગીરી પૈકી એક તેમની દબાણ હટાવ ઝુંબેશ રહી છે. તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાંથી રૂૂ. 1000 કરોડથી પણ વધુની કિંમતની સરકારી જમીનો પરના દબાણો હટાવીને સરકારી મિલકતોને મુક્ત કરાવી હતી. આ ઝુંબેશ અત્યંત પડકારજનક હતી, છતાં તેમણે મક્કમતાપૂર્વક કામગીરી કરીને અનેક દબાણકર્તાઓને દુર કર્યા હતા, જેનાથી સરકારી તિજોરીને પણ ફાયદો થયો હતો અને જાહેર ઉપયોગ માટે જમીનો ઉપલબ્ધ બની હતી.

દબાણ હટાવ ઝુંબેશ ઉપરાંત, કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિકાસ પ્રોજેક્ટોને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ એઈમ્સ અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કાર્યરત કરવામાં આવ્યું, જે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓ છે. આ બંને પ્રોજેક્ટો માટે તેમણે બહુમૂલ્ય કામગીરી કરી હતી અને તેમના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટોથી રાજકોટની આરોગ્ય સેવાઓ અને કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં તેમની વિકાસલક્ષી કામગીરીને પગલે, કલેક્ટર પ્રભવ જોષીને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિલ્હી ખાતે ‘પીએમ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમના અસાધારણ યોગદાન અને ઉત્કૃષ્ટ વહીવટની કદર સમાન હતું.

આ ઉપરાંત, તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓમાં પણ રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. કુલ નવ જેટલી સરકારી યોજનાઓમાં 100% લક્ષ્યાંક સિદ્ધ કરીને તેમણે કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને, બીનખેતી અપીલના કેસોમાં પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે, જેનાથી અનેક લોકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.

કલેક્ટર પ્રભવ જોષીએ તેમના કાર્યકાળ દરમિયાન સમાજના વંચિત અને દિવ્યાંગ વર્ગ માટે પણ વિશેષ સંવેદનશીલતા દાખવી હતી. તેમને દિવ્યાંગો માટે ખાસ કાર્ય કરવાનો મોકો મળ્યો હતો, અને તે અંતર્ગત સાડા ત્રણ કરોડ રૂૂપિયાની વધારાની ગ્રાન્ટમાંથી દિવ્યાંગો માટે આવશ્યક સાધનો ફાળવવામાં આવ્યા હતા. આનાથી અનેક દિવ્યાંગ વ્યક્તિઓને સીધો લાભ મળ્યો અને તેમનું જીવનધોરણ સુધારવામાં મદદ મળી.
વિકાસના મુદ્દે તેમણે ગ્રામ્ય પંથકમાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગ્રામ્ય પંથકમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનો તેમનો સંકલ્પ હતો અને તે પણ તેમના પ્રયાસોથી સાર્થક થયો છે. આવા સંકુલ યુવાનોને રમતગમત માટે સુવિધાઓ પૂરી પાડીને તેમને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવામાં મદદરૂૂપ થશે.

પ્રભવ જોષીએ પોતાના કાર્યકાળની યાદગાર ક્ષણો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના માટે સૌથી યાદગાર ક્ષણ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી રહી છે. આ ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તેમના પ્રયાસોથી ચૂંટણી પારદર્શકતાપૂર્વક અને સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.

આ ઉપરાંત, રાજકોટનો લોકમેળો પણ તેમના માટે યાદગાર રહ્યો છે. લોકમેળાના સફળ આયોજનમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી, જે રાજકોટની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ છે.
કલેક્ટર પ્રભવ જોષી રાજકોટમાં એક વહીવટકર્તા તરીકે જ નહીં, પરંતુ એક સંવેદનશીલ અને વિકાસલક્ષી અધિકારી તરીકે યાદ રહેશે. રાજકોટની જનતા તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે અને તેમની ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી રહી છે.

નિર્ણાયક તબક્કે પહોંચેલા રેવન્યુ કેસો અધ્ધરતાલ: કલેક્ટર પ્રભવ જોષીની બદલીથી 600થી વધુ ફાઈલો અટકી
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની અચાનક બદલી થતાં જિલ્લાના મહેસૂલી (રેવન્યુ) વિભાગના 600થી વધુ કેસો અધ્ધરતાલ રહી ગયા છે. કલેક્ટર જોષી દ્વારા આ કેસોની સુનાવણી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી હતી અને અનેક કેસો નિર્ણાયક તબક્કે પહોંચી ગયા હતા, પરંતુ તેમની બદલીના કારણે હવે આ તમામ કેસો નવા કલેક્ટર આવ્યા બાદ જ આગળ વધી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કલેક્ટર પ્રભવ જોષીએ પોતાના કાર્યકાળ દરમિયાન 600થી વધુ અલગ અલગ રેવન્યુ કેસોની સુનાવણી હાથ ધરી હતી. આ પૈકી, 300 જેટલા કેસ તો સુનાવણી બોર્ડ ઉપર પણ આવી ગયા હતા અને તેમાં માત્ર આખરી સહી (સાઈન) કરવાની જ બાકી હતી. આ કેસોમાં જમીનના સીધા દાવાઓ, ભાઈઓ વચ્ચેના જમીનના ઝઘડાઓ, સરહદની તકરારો, વારસાઈના પ્રશ્નો સહિતના વિવિધ મહેસૂલી વિવાદોનો સમાવેશ થાય છે.

કલેક્ટરની બદલી થતા, આ તમામ 600થી વધુ ફાઈલો હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે. હવે રાજકોટના નવા કલેક્ટર ચાર્જ સંભાળ્યા બાદ ફરીથી આ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આના કારણે જે અરજદારોના કેસો અંતિમ તબક્કામાં હતા અને નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા હતા, તેમને ફરી લાંબો સમય રાહ જોવી પડશે.

નવા કલેક્ટર ઓમ પ્રકાશ સોમવારે ચાર્જ સંભાળશે
રાજકોટ જિલ્લાના વર્તમાન કલેક્ટર પ્રભવ જોષીની ગાંધીનગર ખાતે ટુરીઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી થઈ છે. તેઓ આગામી શનિવારે, 21 જૂનના રોજ, રાજકોટ કલેક્ટરનો ચાર્જ છોડશે. રાજકોટના 51મા કલેક્ટર તરીકે ઓમ પ્રકાશ આગામી સોમવાર, 23 જૂનના રોજ સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement