ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂા.700નો વધારો કરતી સરકાર
રાજયની ગ્રાન્ટેડ સંસ્થાઓમા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે મેડિકલ ભથ્થામા અન્યાય થતો હોવાની અનેક વખત રજુઆત કરવામા આવતા અને મોંઘવારી વધતા બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા હોવાની રાવ ઉઠતા ગ્રાન્ટેડ શૈક્ષણીક સંસ્થાઓના કર્મચારીઓના આરોગ્ય ભથ્થામા રૂ. 700 સુધીનો વધારો કરાયો છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં માસિક રૂ 700 નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના કુલ 4908 કર્મચારીઓને લાભ થશે અને તેઓને આર્થિક રાહત મળશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ કર્મચારી લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જે કર્મચારીઓ માટે એક મોટી ભેટ સમાન છે. આ સુધારિત મેડિકલ ભથ્થું તારીખ 01/04/2025 થી અમલમાં આવશે.
હાલમા કર્મચારીઓને જે તબીબી ભથ્થું મળી રહ્યું છે તેમા રૂ 700 ના વધારા બાદ હવે તેઓને પ્રતિ માસ રૂ 1,000 નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે. આ વધારો કર્મચારીઓને મોંઘવારીના સમયમાં આરોગ્ય સંબંધી ખર્ચાઓ પહોંચી વળવામાં મદદરૂૂપ થશે. આમ ગુજરાત સરકારે બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે કર્મચારીઓમાં ખુશી અને સંતોષની લાગણી ફેલાવશે.