ગોંડલનું એસ.ટી. બસ સ્ટેન્ડ નર્કાગારમાં ફેરવાયું
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોનો આક્ષેપ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, હર્ષવર્ધનસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, મહેન્દ્રસિંહ કે. જાડેજા, ગજુભા જાડેજા, કેતન તાળા, પ્રવીણભાઈ લાખાણી ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા 25 લાખ મુસાફરોને આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે. એસ.ટીના ભાડામાં ડીઝલના ભાડા વધારા બાદ 25% તોતિંગ વધારો કરાયા બાદ એસ.ટી ને વાર્ષિક 687.47 કરોડની આવક થઈ હતી ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્વે ડીઝલના ભાવોમાં ઘટાડો થવા છતાં એસ.ટીના ભાડા ઘટાડવામાં ન આવતા એસ.ટી ને હાલ મુસાફરો પાસેથી 1200 કરોડ જેવી માતબાર રકમ મળી રહી છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તાજેતરમાં રાજકોટ ડિવિઝન હેઠળના ગોંડલ એસ.ટી બસ સ્ટેશનની સાઇટ વિઝીટમાં ગોંડલ ડેપોની પોલ ખુલી ગઈ હતી અને આ બસ સ્ટેશનની હાલત ખાડે ડૂચા અને દરવાજા મોકળા જેવો તાલ દેખાયો હતો અને વહીવટ પણ અંધેરી નગરી ગંડુ રાજા જેવો છે. ગોંડલ બસ સ્ટેશનની મુલાકાત લેતા બસ સ્ટેશનની અંદર ઢોર, કુતરા નો ત્રાસ હોય અંદર ખૂટીયા આંટા મારતા હતા.
વરસાદી પાણીના તળાવ જેવા ખાબોચિયા ભરાયેલા હતા. મુસાફરોને બેસવાની જગ્યા છે ત્યાં પ્લેટફોર્મ નંબર 2,3 અને 4 પર ઢોર કુતરા નો ત્રાસ જોવા મળેલ હતો. બસ સ્ટેશનની એટીઆઈ ઓફિસની સામે ના ગેટ પર તેમજ બસ સ્ટેશનના આઉટગેટ પાસે કચરાના ગંજ અને બિનજરૂૂરી ઝાડવા ઊગી નીકળેલ હતા તેમજ બસ સ્ટેશનના આઉટ ગેટ પાસે તળાવ જેવું વરસાદી પાણીનું ખાબોચિયું ભરાયેલું હતું જે મુસાફરો માટે જન આરોગ્ય માટે જોખમી છે અને બાળકો માટે મોતની લટકતી તલવાર સમાન હોય ગોંડલ બસ સ્ટેશન ની હાલત નર્કાગાર કરતાં પણ બદતર જોવા મળી હતી, લાઈટો હતી પણ રોશની નો અભાવ હતો પંખા પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને મુસાફરો સમસ્યાઓથી ત્રાહિમામ હતા.