ગોંડલના બાંદરા ગામે બે પાડોશીના જૂથ વચ્ચે બઘડાટી બોલી : 6ને ઈજા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે ઘર પાસે પથ્થરના બેલા રાખવાના કારણે ટ્રેક્ટર દિવાલ સાથે અથડાતા બે પાડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ સામ સામા હુમલા કર્યા હતાં જેમાં 6 વ્યક્તિને ઈજા પહોંચી હતી આ અંગે પોલીસે મહિલા સહિત 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના બાંદ્રા ગામ ે રહેતા એન પીજીવીસીએલમાં ઈલેક્ટીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ગોગનભાઈ મકવાણા (ઉ.વ.48)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા હર્ષદ હરજીભાઈ મકવાણા, હરજીભાઈ રૂડાભાઈ મકવાણા, પુનાબેન હરજીભાઈ, સંગીતાબેન હરજીભાઈ અને સાધનાબેન હરજીભાઈના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ પોતાના ઘર પાસે ચુના પથ્થરના બેલા રાખ્યા હોય જે પાડોશીને ગમ્યું ન હોતું દરમિયાન ગઈકાલે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પાડોશીની દિવાલ સાથે અકસ્માત કરી જતો રહ્યો હતો જે બાબતે બન્ને પાડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપીઓએ ફરિયાદ તેમના પત્ની જયાબેન, નાનાભાઈ કેતન અને બહેન જયશ્રી પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
જ્યારે સામાપક્ષે રીક્ષા ડ્રાયવર હર્ષદભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ ગોગનભાઈ મકવાણા, જયાબેન દિલીપભાઈ મકવાણા, જયશ્રીબેન ગોગનભાઈ, ચંપાબેન ગોગનભાઈ અને કેતન ગોગનભાઈના નામ આપ્યા છે.
સામાપક્ષે નોંધાયેલ ફરિયાદમાં પાડોશીએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદી અને તેની માતાને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસે બંન્ને બન્ને જુથની ફરિયાદ પરથી ગુના નોંધી તપાસ હાથ ધરી છે.