ગોંડલ યાર્ડ ઘઉંથી ઉભરાયું : આવક બંધ કરાઇ
- જગ્યાના અભાવે જણસી નહીં લઇ આવવા ખેડૂતોને સૂચના
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરતા 15થી 20 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ રૂા.400થી લઈને 650 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા વાહનોની 3થી 4 કી.મી. લાંબી વાહનો ની કતાર લાગી જવા પામી હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું. અને જગ્યા અભાવે ઘઉંની આવક યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવકને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદતર બંધ કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવક થતી હોય છે. તેનું એક માત્ર કારણ એ છે કે ખેડૂતો ને પોતાની જણસીનો પૂરતો ભાવ અહીં મળી રહે છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની દરરોજ 15થી 20 હજાર ગુણી આવક થાય છે અને આગામી દિવસોમાં ઘઉંની આવકમાં વધારો નોંધાશે. ત્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.