ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યો
સોસાયટીના રહીશોએ તૂટેલા વીજવાયરનું રખોપુ કર્યું: લોકોમાં ભારે રોષ
ગોંડલમાં રવિવારે રાત્રે પવન નાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.આ સમયે રાત્રે બાર કલાકે સાટોડીયા સોસાયટી થી આગળ નાગડકા મેઇન રોડ પર રહેણાંક મકાનો પાસે વૃક્ષ ની ડાળી ધરાશઇ થતા ત્યાંથી પસાર થતા વિજ વાયર તુટી પડ્યો હતો અને વિજ પુરવઠો કપાયો હતો. વિજ તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય આ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ચોટલીયા એ વિજતંત્ર ને જીવતો વાયર રોડ પર પડ્યો હોય કોઈ પશુ કે રાહદારી હડફેટ ચડે તો જાનહાની સર્જાય તેવી દહેશત થી વાકેફ કરવા ફોન કર્યો હતો.
મેહુલભાઈ નાં કહેવા મુજબ મેં વિજ કંમ્પલેન નંબર 220042 માં ડાયલ કરતા ત્યાં થી 47 નંબર માં ફોન કરવા જણાવાયુ.ત્યાં ફોન કરતા વધુ અલગ અલગ નંબર આપી એકબીજા ને ખો આપી રહ્યા હોય કોઈ એ ફરિયાદ લીધી ના હતી. વિજ કરંટ નો કોઈ ભોગ ના બને એ હેતુ થી મોડી રાત સુધી મેહુલભાઈ તથા અન્ય લોકો રોડ પર જાગતા બેઠા રહ્યા હતા.દરમિયાન રાત્રીનાં બે અઢી નાં સુમારે પીજીવીસીએલ ની ગાડી નીકળતા તેને અટકાવી હકિકત જણાવતા તેમા બેઠેલા કર્મચારીઓ એ અમારે નાગડકા રીપેરીંગ માં જવાનું છે.કંમ્પલેન લખાવી દ્યો તેવુ કહી ચાલ્યા ગયા હતા.
બાદ માં છેક પાંચ કલાકે પીજીવીસીએલ નાં કર્મચારીઓ આવી મરામત કરી વિજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.અલબત્ત મેહુલભાઈ સહિત નાં લોકો રોડ પર તુટેલા વિજ વાયર નુ રખોપુ કરતા બેઠા રહ્યા હતા. મેહુલભાઈ એ પીજીવીસીએલ નાં ઉચ્ચ અધિકારીને પણ જાણ કરી હતી.ત્યારે અધિકારી દ્વારા કર્મચારીઓ ને તુરંત રીપેરીંગ માટે સુચના અપાયાનું તેમનાં દ્વારા જણાવ્યું હતું.પણ કર્મચારીઓ અધિકારીની સુચના ને પણ ઘોળીને પી ગયા હોય તેમ છેક વહેલી સવારે આવતા લોકો માં કર્મચારીઓ ની બેદરકારી સામે રોષ ફેલાયાનું મેહુલભાઈ ચોટલીયા એ જણાવ્યુ હતુ.
