ગોંડલ નાગરિક બેંકમાં આઠ ધોરણ પાસ ડ્રાઇવર કમ પટાવાળાને કલાર્ક બનાવી દીધો
ગોંડલ નાગરિકમ સહકારી બેંકમાં લાલીયાવાળી ચાલતી હોવાની વધુ એક ઘટના બહાર આવી છે.
માત્ર આઠ પાસ ડ્રાઇવરને સીધો કલાર્ક બનાવી દીધાની અને એક કર્મચારીને બેંક મેનેજરે બેંકના બોર્ડને અંધારામા રાખી પ્રમોશન આપી દીધાની ફરિયાદ રિઝર્વ બેંક ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રાર અને સ્ટેટ રજિસ્ટ્રાર સુધી પહોંચી છે. આ અંગેના ગેરકાયદે ઠરાવનો અમલ કરાશે તો બેંક મેનેજર દિલીપભાઇ ભટ્ટ અને બેંકનું બોર્ડ ઓફ ડાયરેક્ટર જવાબદાર રહેશે તેવુ આ ફરિયાદમાં જણાવાયું છે.
ગોંડલના ગુંદાળા રોડ ઉપર ખોડલધામ સોસાયટીમાં રહેતા સુરેશભાઇ આણંદભાઇ ભટ્ટી એ ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને જનરલ મેનેજરને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, બેંકના ફિક્સ પગારના નોકરીયાત ભૂપતભાઇ વેકરીયા બેંકમાં ફિક્સ પગારદાર તરીકે આશરે દોઢ વર્ષથી નોકરી કરે છે અને તેનો ડ્રાઇવર તરીકે ફિક્સ પગારદારમા ઠરાવ થયેલ છે. અમોને જણાવા મળેલ છે કે, આ ફિક્સ પગારદાર નોકરીયાતને હજૂ પ્રોબોશન તરીકે રાખેલ નથી અને તેને રેગ્યુલર તરીકે રાખેલ નથી છતાં પણ તેને ડ્રાઇવર કમ પટ્ટાવાળા માંથી સીધો કલાર્ક તરીકે નિમણુંક કરી છે.
જે નિમણુંક ગેરકાયદે છે. કારણ કે એ બેંકના હજૂ સુધી કાયમી કર્મચરી થયેલ નથી તેમજ બેંકના અને રિઝર્વ બેંકના નિયમ મુજબ તે ગ્રેજ્યુએટ થયેલ નથી.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અમને જાણવા મળેલ છે કે, બેંકના જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટે જનરલ બોર્ડને અંધારામાં રાખીને પોતાના અગત મળતીયાને ગેરકાયદે રીતે ફિક્સ પગારદારને સીધો કલાર્ક બનાવી ઠરાવ કરી ચેરમેનને ગેરમાર્ગે દોરી સહી લઇ ઠરાવ કરી નાખેલ છે.
જે ઠરાવ ગેરકાયદે હોય તેનો અમલ કરવામાં આવશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ કર્મચારીને પગાર ચૂકવવામાં આવશે તેની જવાબદારી બેંકના જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટ અને તમામ ડિરેક્ટરોની રહેશે અને આ રકમ જનરલ મેનેજર અને તમામ ડિરેક્ટરો પાસેથી વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ આ પત્રમાં સુરેશભાઇ ભટ્ટીએ જણાવ્યું છે.