ગોંડલ નગરપાલિકાના પ્રમુખને ઓફિસમાં ઘૂસી મારવાની કોશિશ કરી ધમકી આપી
- નોકરીમાંથી કાઢી મુકેલ કર્મચારીએ પત્ની સાથે ઓફિસમાં ઘૂસી બઘડાટી બોલાવી
રાજકોટ જિલ્લાના ગોંડલ નગરપાલિકાના કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી પૂર્વ કમર્ચારી તેની પત્ની સાથે ઓફિસમાં ઘુસી નગરપાલિકાના પ્રમુખને મારવાની કોશિષ કરી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતા મનીષભાઈ દુર્લભજીભાઈ ચનીયારા (ઉ.39)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના હિરેનભાઈ ચોટલીયા અને તેની પત્ની મિતલબેન ચોટલીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપે છે. ગોંડલ નગરપાલિકામાં અગાઉ આરોપી હિરેન ચોટલીયા હંગામી ધોરણે કલાર્ક તરીકે નોકરી કરતો હોય તેની ફરજ દરમિયાન નગરપાલિકાનું ગુપ્ત સાહિત્ય ચોરી કરી ડેટા લીક કરતો હોવાનું પ્રમુખના ધ્યાન પર આવતાં તેને નોકરીમાંથી કાઢી મુકયો હતો.
નોકરીમાંથી છુટો કરેલા કર્મચારી અવારનવાર ઓફિસે આવતો હોય ફરિયાદીએ હિરેન ચોટલીયાને નગરપાલિકાની ઓફિસે નહીં આવવા કહ્યું હતું. આમ છતાં ગઈકાલે સાંજે પોતાની પત્ની સાથે ઓફિસે આવી ટેબલ પર બેસી જઈ પર્સનલ લેપટોપમાં કંઈક કરતો જોવા મળ્યો હતો. જેની જાણ પ્રમુખને થતાં ઓફિસમાં નહીં આવવાનું કહેતા ઉશ્કેરાયેલા દંપતિએ પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કરી બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.