ગોંડલ ગણેશ જાડેજાનો જેલવાસ લંબાયો; હાઇકોર્ટમાં કરેલી અરજીમાં મુદત પડી
જામીન અરજીની સુનાવણી હવે 7 ઓગસ્ટે હાથ ધરાશે
તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના 10 જેટલા સાથીદારો દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ છે. ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. ગણેશ જાડેજાની જામીન અરજી પર સુનાવણી ટળી ગઇ છે.. હવે હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટે હાથ ધરાશે.
જૂનાગઢ એન એસ યુ આઈ શહેર પ્રમુખ અને દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને નગ્ન કરીને માર મારતો વિડીયો બનાવાયો હોવાની ફરિયાદ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને જેને પગલે ગણેશ જાડેજા સહિત 10 શખ્સોની જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા સામે કલમ 120 બી હેઠળ ગુનો દાખલ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવે અને ગીતાબા ઝાડેજાનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરી હતી, માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી ચીમકી આપી હતી. આ માટે રાજુ સોલંકી દ્વારા કલેક્ટર કચેરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું ફોર્મ પણ લેવામાં આવ્યું છે.