ગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું
રૈયાધારમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી
શહેરમાં મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી પરણીતાએ દ્વારકા રહેતા પ્રેમી સાથે સબંધ ટુંકાવી નાખતા પ્રેમીએ ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપતા ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી હિરલબેન અવિનાશભાઈ પરમાર ઉ.વ.23 નામની પરણીતા સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં હિલબેન પરમાર ત્રણ વર્ષ પૂર્વે પોતાની બહેનપણી સાથે દ્વારકા દર્શને ગઈ હતી. ત્યારે હોટલમાં રોકાઈ હતી. તે દરમિયાન ત્યાં કામ કરતા પરેશ કેર સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બાદમાં હિરલબેન પરમારે સબંધ ટુંકાવી લેતા પ્રેમી પરેશ કેરે ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હિરલબેન પરમારે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં બાબરાના દેવળિયા ગામે રહેતી પુજાબેન સુરેસભાઈ મેવાડા નામની 30 વર્ષની પરણીતા રૈયાધાર વિસ્તારમાં આવેલી ઈન્દિરાનગર મફતિયાપરમાં રહેતી માતા ગીતાબેન સોલંકીના ઘરે હતી ત્યારે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. પરણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.