પ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજ કાળ દરમિયાન સહપાઠી યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. લગ્નનો વાયદો કરનાર યુવાને અન્ય યુવતી સાથે સગપણ કરી પ્રેમિકાને લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. જેથી પ્રેમિકાને માઠુ લાગતાં ફીનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી અને અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી 25 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં ફીનાઈલ પી લેનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતાં મોહિત ધાનાણી નામના યુવાન સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમિ મોહિત ધાનાણી લગ્નનો વાયદો કરતાં બન્ને ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં જોડાયા હતાં. અચાનક પ્રેમિએ લગ્નનો ઈન્કાર કરી અન્ય યુવતી સાથે સગપણ કરી લેતાં પ્રેમિકાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.