28 લાખનું દેણું થઇ જતા યુવતીનો આપઘાત
ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીએ ચિઠ્ઠી લખી ઝેરી ટીકડા ખાઇ લીધા
અમરેલીના ખાંભામાં દેવુ થઇ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાના માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિકા હરેશભાઇ સોરઠીયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ IIFL કંપનીમાં નોકરી કરતી હતી. જેણે ગતરોજ ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઇ લીધી હતી. જેની તબિયત લથડતાં પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
યુવતીના આપઘાત બાદ સ્યુસાઇડ નોટના આધારે ખાંભા IPS જયવીર ગઢવીના સુપરવિઝન હેઠળ ખાંભા પી.આઈ.રવિરાજ સિંહ ચૌહાણની ટીમે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
સ્યૂસાઇડ નોટમાં શું લખ્યું ?
જય શ્રી ક્રિષ્ના...
મમ્મી-પાપા હુ સુસાઇડ કરુ છું. મને તમારાથી કોઇ વાંધો નથી. મારા પર 28 લાખ રુપિયાનું દેવુ થયું છે એટલે હું કરૂૂ છું. આ દેવુ સહન નથી થતું, એટલે આ પગલુ ભરુ છું. હું બસ તમારા માટે એક સારી જીંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધુ ઊંધુ થઇ ગયું મારા પર દેવું થઇ ગયું છે. આ દેવું Shine.com કંપનીમાંથી થયું છે. જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઇ લેજો.
મારા મર્યા પછી IIFL માંથી તમને 5 લાખ રુપિયા મળી શકશે, એની પ્રોસેસ કરીને લઇ લેજો. મારૂૂ PF પણ પડ્યું હશે એ ઉપાડી લેજો. મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો. મમ્મી મારી છેલ્લી ઇચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઇચ્છા પુરી કરી દેજોને..
માફી સાથે તમારી ભૂમિ...