રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળતા ગિરિરાજ કુમાર
ગિરિરાજ કુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલવે મેનેજરનો કાર્યભાર સંભાળી લીધો છે. ડિવિઝનલ રેલવે મેનેજર રાજકોટ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેઓ ઉત્તર પશ્ચિમ રેલવેમાં FA CAO (General) એટલે કે નાણાકીય સલાહકાર અને મુખ્ય લેખા અધિકારી (સામાન્ય)ના પદ પર કાર્યરત હતા. ભારતીય રેલવે લેખા સેવા (IRAS)ના 1996 બેચના વરિષ્ઠ અધિકારી ગિરિરાજ કુમાર મીનાએ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુરથી માનવ શાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટસ (એમ.એ.) કર્યું છે.
તેમણે પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને બનારસ લોકોમોટિવ વર્ક્સ, વારાણસીમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર કાર્ય કર્યું છે. ગિરિરાજ કુમાર મીનાને વર્ષ 2016માં પશ્ચિમ રેલવેમાં નાયબ મુખ્ય વહીવટી અધિકારી (ટ્રાફિક) તરીકે કાર્ય કરતા ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન બદલ રેલ મંત્રાલય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મીના વિવિધ અભ્યાસો તથા પુસ્તકો વાંચવામાં ઊંડો રસ ધરાવે છે.