અંબાણીના પ્રીવેડિંગમાં ‘હાથ’ મારવા આવેલી ગિલોલ ગેંગ ઝડપાઈ
- જામનગરમાં ગજ નહીં વાગતા રાજકોટમાં મર્સિડિઝના કાચ તોડી 10 લાખ તફડાવ્યા, અંતે ક્રાઈમ બ્રાંચે દિલ્હીથી પાંચ શખ્સોને ઝડપી લીધા: સૂત્રધાર ફરાર
- ગિલોલ ગેંગે 11 ગુના આચર્યાની કબૂલાત
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડીંગ જામનગરમાં યોજાયા હોય જેમાં વિશ્ર્વભરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુખ્ય મહેમાનો હાજર રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારના પ્રિવેડીંગ ફંકશન ઉપર દેશની ઘણી ચોરી અને તફડંચી કરતી ગેંગની પણ નજર હોય ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે દિલ્હીથી ઝડપી લીધેલી ત્રિચીની ગિલોલ ગેંગે આપેલી કબુલાતમાં પર્દાફાશ થયો છે. જેમાં તેઓ અંબાણી પરિવારના પ્રિવેડીંગમાં હાથ મારવા આવેલ હોવાનું ખુલવા પામ્યું છે. જો કે જામનગરમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત હોવાથી આરોપીઓની કારી ન ફાવતા તેઓએ ત્યાંથી નીકળી જામનગર, રાજકોટ સહિત પાંચ સ્થળોએ કારના કાચ તોડી રૂપિયા તફડાવી લીધા હતાં. રાજકોટમાં થયેલી મસિડીઝ કારના કાચ તોડી રોકડની ચોરીના બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દિલ્હીથી ગિલોલ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે સુત્રધાર ફરાર હોય તેને શોધવા માટે શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા તાજેતરમાં જ કડીયાસાસી ગેંગને ઝડપી લીધા બાદ પંદર દિવસમાં જ વધુ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગ દ્વારા દેશભરમાં અનેક ગુના આચર્યા હોવાનું ખુલવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, વધુ મળતી વિગતો પ્રમાણે,સાધુ વાસવાણી રોડ પર રહેતાં કારખાનેદાર અર્જુન જયેશભાઈ અમૃતિયા ગત તા.2-3ના રોજ 150 ફૂટ રોડ પર આવેલા ઈમ્પિરિયલ હાઈટસ પાસે પોતાનો મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે ગયા હતા.
જો કે આ વેળાએ તેમની મર્સિડીઝ કારમાં 10 લાખની રોકડ અને એક લેપટોપ પડયું હતું તે સાથે ન લઈ જતાં ત્રીચી ગેંગના ધ્યાન પર આ વસ્તુ આવી હતી. આ ગેંગ વૈભવી કાર જોઈને તેમાં મોટો હાથ લાગશે તેવી ગણતરીમાં જ હોવાથી જેવા અર્જુન અમૃતિયા કાર રેઢી મુકીને ગયા કે તુરંત જ તેનો કાચ ફોડી નાખીને અંદર રહેલી રોકડ અને લેપટોપ ઉઠાવીને પલાયન થઈ ગઈ હતી.તેમજ સયાજી હોટેલ પાસે જીમના સંચાલકની કારના કાચ ફોડી તેમાંથી રોકડની ચોરી આ પછી પોલીસે ચારેય દિશામાં તસ્કરોને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ એમ.જે.હુંણ, પીએસઆઈ એ.એન.પરમાર, એસએસઆઈ ઘનશ્યામભાઈ મેણીયા, અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજય રૂપાપરા, મહાવીરસિંહ ચુડાસમા, હિરેન સોલંકી સહિતના સ્ટાફે કાચ ફોડ ગેંગને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જેમાં પોલીસે દિલ્હી સુધી તપાસ લંબાવી તમિલનાડુનાં ત્રિચી પંથકની ગિલોલ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં.
ઝડપાયેલા શખ્સોમાં જગન બાલસુબ્રમણ્યમ અગમુડીયાર, દિપક પારથીબન અગમુડીયાર, ગુનસેકર ઉમાનાથ, મુરલી વિરપથરન ઉર્ફે વિરબદ્રન મોદલીયાર, એગામરમ કાતાંન મુત્રયાર (રહે. તમામ તિરૂચીરાપલ્લી (ત્રીચી) રાજ્ય તમિલનાડુ) ને ઝડપી લઈ તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ, હાર્ડડીસ્ક, ટ્રોલી બેગ, ગીલોલ, છરા મળી કુલ રૂા.8.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગેંગનો સુત્રધાર મધુસુદન ઉર્ફે વી.જી.સુગુમારન ફરાર હોય જેની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઉપરોકત આરોપી પૈકી આરોપી મધુસુદન ગેંગનો લીડર હોય તેની સુચના મુજબ આરોપીઓ ચોરી કરવા નીકળતાં હતાં જેમાં આરોપી દિપક અને મુરલી અને એગામરમ કારની રેકી કરી કારમાં કોઈ બેંગ કે થેલો પડેલા છે કે કેમ ? તેની ખાતરી કરતાં બાદમાં આરોપી જગન પોતાની પાસે રહેલી ગિલોલથી કારનો કાચ તોડી તેમાં રહેલા થેલાની ઉઠાંતરી કરતાં હતાં.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યા મુજબ, આરોપીઓ ગત તા.1નાં રોજ જામનગરમાં અંબાણી પરિવારના પ્રીવેડીંગમાં મોંઘીદાટ ગાડીઓમાં લોકો આવતાં હોવાથી મોટી ચોરી કરવાના ઈરાદાથી આવ્યા હતાં. પરંતુ ત્યાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા હોવાથી અહિં તેમની કારી નહીં ફાવે તેવું લાગતાં ત્યાંથી તેઓ રવાના થઈ જામનગર બસ સ્ટેન્ડ પાસેથી બે કારમાંથી કાચ તોડી રોકડની ઉઠાંતરી કરી હતી જ્યાંથી તેઓ રાજકોટ આવ્યા બાદ કારખાનેદારની મસિડીઝ કારમાંથી રૂા.10 લાખની ચોરી કરી અહિંથી જૂનાગઢ ગયા હતાં. જુનાગઢમાંથી એટીએમ મારફત તેઓએ બેંક ખાતામાં તફડાવેલા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં અને લેપટોપ બ્લુડાટ કુરીયરમાં મોકલી દીધું હતું ત્યાંથી તેઓ અમદાવાદ જઈ વસ્ત્રાપુર તેમજ અન્ય વિસ્તારમાંથી ત્રણ જેટલી કારના કાચ તોડી ચોરી કરી હતી. જ્યાંથી તેઓ વાપી ગયા બાદ ત્યાંથી દિલ્હી ગયા હતા અને દિલ્હીમાં પણ બે સ્થળે કારના કાચ ફોડયાનું જાણવા મળ્યું છે.
પોલીસે રાજકોટ, જામનગર, અમદાવાદ અને દિલ્હીના બે મળી પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા છે જ્યારે આરોપીઓએ નવેમ્બરથી માર્ચ મહિના સુધીમાં કુલ 11 ચોરી કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ મુંબઈ, આંધ્રપ્રદેશ, દિલ્હી, કેરેલા અને કારોલબાગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. વધુ તપાસમાં ગિલોલ ગેંગમાં 60 થી 65 જેટલા લોકો જોડાયેલા હોય જેઓ દેશભરમાં કારના કાચ તોડી ચોરી કરવાની મોડશઓપરેન્ડી ધરાવે છે.
ગમે તેવો મજબૂત કાચ 30 સેક્ધડમાં જ તોડી નાખવાની કરામત
આરોપીઓ પૈસાની લાલચમાં અને થોડા જ સમયમાં શ્રીમંત બનવા માટે કારના કાચ તોડી ચોરીઓ કરે છે. જેમાં એક વ્યક્તિ ટીમનો લીડર હાયે છે જે બહારથી પોતાના પાંચ માણસોની ટીમને હેન્ડલ કરે છે. ચોરી કરવાનું સ્થળ વિગેરે ટીમનો લીડર નક્કી કરે છે અને તેની સુચના મુજબ ગેંગના માણસો ટ્રેઈન મારફતે મુસાફરી કરે છે અને અલગ અલગ રાજ્યના શહેરોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, માર્કેટ વિગેરે જયા એક કરતાં વધારે કારનું પાર્કીંગ રહેતું હોય તેવા સ્થળોની રેકી કરી તકનો લાભ લઈ, હેર પીન તથા રબ્બર વડે ગીલોલ બનાવી નાના છરાથી કારના કાચ તોડી કાર અંદર રહે બેંગની ઉઠાંતરી કરી નાસી જાય છે. ઝડપાયેલી ત્રિચીની ગિલોલ ગેંગ કાચ તોડવામાં માસ્ટર માઈન્ડ હતી. ગમે તેવી કારનો કાચ હોય તેઓ 30 સેક્ધડમાં જ કાચ તોડી પૈસા તફડાવી જતાં હતાં.
દિલ્હી,જામનગર,અમદાવાદ અને રાજકોટ સહિત 15 કારના કાચ ફોડ્યા: લાખોની રકમ બેન્કમાં નાખી ટ્રાન્સફર કરી લીધી
કારના કાચ તોડીને રોકડ અને લેપટોપની ચોરી કરતી ગીલ્લોલ ગેંગને ઝડપી લેવામાં ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા મળી છે.આ ગેંગની પૂછપરછમાં રાજકોટના માલવીયા વિસ્તારના, જામનગર,અમદાવાદના વસ્ત્રાપુર અને દિલ્હીના બે ગુના સહિત પાંચ ગુના ડિટેકટ થયા હતા.તેમજ આરોપીઓએ આપેલી કબૂલાતમાં નવેમ્બર-ડિસેમ્બર અને માર્ચ મહિનામાં કરેલી ચોરીઓમાં દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ 10 જેટલી કારના કાચ તોડ્યા હતા.તેમાંથી અડધા લાખની રોકડ ચોરી કરી હતી.તેમજ તા.2ના રોજ જામનગરમાં બસસ્ટેન્ડ પાસેથી બે કારને નિશાન બનાવી રોકડ અને મોબાઈલની ચોરી કરી હતી.બીગબજારની સામેં મર્શિડિઝ કારના કાચ ગિલોલથી તોડી લેપટોપ,10 લાખ રોકડ ચોરી જુનાગઢ પહોંચી એટીએમથી રૂૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી ત્યાંથી દિલ્હી જતા રહ્યા હતા.તેમજ અમદાવાદમાં પણ ત્રણ કારના કાચ તોડ્યા હતા.