સાબરમતીમાં ઘોડાપુર; અમદાવાદ અને 133 ગામ હાઇએલર્ટ
વાડજ, દૂધેશ્ર્વર, માધુપુરા, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, રખિયાલ, જમાલપુર સહિત 19 વિસ્તારો ઉપર જોખમ
ધરોઇ ડેમમાંથી 51848, સંતસરોવરમાંથી 96245 અને વાસણા બેરેજમાંથી 94056 કયૂસેક પાણી ઠાંલવાતા સાબરમતીનું રોદ્ર સ્વરૂપ, વહીવટીતંત્રને એલર્ટ રહેવા આદેશ
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 94056 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદના સુભાષબ્રિજ ખાતે વાઈટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વાડજ, જુના વાડજ, દૂધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યું છે. પુર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીને પુરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલા લેવા જાણ કરી છે.
લોકોને પણ સાબરમતી નદીના પટમાં ન જવા ખાસ સૂચના આપવામાં આવી છે. સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના પગલે છેલ્લા બે દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ વોક-વે અને લોઅર પ્રોમિનાડ અગમચેતીના ભાગરૂૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે વાસણા, સરખેજ, ગ્યાસપુર, અસલાલી સહિતના આજુબાજુના વિસ્તારોમાં આવેલા નદીના પટ પાસેના ખેતરો અને ગામડાઓમાં લોકો સાબરમતી નદીની આસપાસ ન જવાની સૂચના હોવા છતાં પણ જાય છે, જેથી ત્યાં સલામતીના પગલાં લેવા જરૂૂરી છે. છેલ્લા બે દિવસમાં પણ કેટલાક લોકો સાબરમતી નદીમાં ફસાયા હોવાના ફાયર બ્રિગેડને મેસેજ મળ્યા હતા, જેથી આ વિસ્તારોમાં હવે સલામતીના પગલાં પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ લેવા જરૂૂરી છે.
અમદાવાદના વાસણા ખાતે આવેલા વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીની સપાટી 131 ફૂટ જેટલી થઈ છે. પાણીની આવક વધતા વાસણા બેરેજના 27 જેટલા દરવાજા છ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ગેટ નંબર ત્રણથી એક નંબર 29 ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદી ખાતે 26,636 પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના ભાગ બ્રિજ ખાતે સાબરમતી નદીનું લેવલ 43.65 જેટલું છે.
સાપ પકડવા રેસ્કયુ ટીમ તૈનાત, 100 સાપ પકડયા
અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યું છે. રિવરફ્રન્ટ પર નારાયણ ઘાટની અંદર ઉપરવાસમાંથી આવેલા પાણી ફરી વળ્યાં છે. પાણીમાં અનેક સાપ તણાઇને આવી જતાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યાં છે. રિવરફ્રન્ટ પર ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર તૈનાત કરવામાં આવ્યાં છે.રિવરફ્રન્ટ પર આવતા સાપનું રેસ્ક્યુ કરવા માટે ટીમ તૈનાત કરાઈ છે. રેસ્ક્યૂ ટીમે કહ્યું હતું કે, પાણીના સાપ છે જેથી લોકોએ ડરવાની જરૂૂર નથી. અત્યાર સુધીમાં 100 સાપ પકડ્યા છે અને 250થી વધુ સાપ પાણીમાં દેખાય છે. પાણીના વહેણમાં સાપ આવી જાય છે.