નકલી શાળા-ગ્રાન્ટમાં પક્ષાપક્ષીના મામલે સામાન્ય સભા ગરમાઇ
રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં તાજેતરમાં રાજકોટ તાલુકામાંથી પકડાયેલ નકલી શાળા મામલે તેમજ ગામડામાં વિકાસ કામ માટે પક્ષાપક્ષી કરવામાં આવતી હોવાના આક્ષેપ થતા સામાન્ય સભા ગરમાઇ હતી.
ગ્રાન્ટ અને આયોજન બાબતે કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય મનસુખભાઇ સાકરીયાએ આક્ષેપ કર્યા હતો કે અગાઉના પ્રમુખ દ્વારા સૌને સાથે રાખી અને ગામડાની જરૂરિયાતને સમજી તેનું આયોજન કરી અને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જયારે હાલના સમયમાં નવા સત્તાધીશો દ્વારા જાણે ભાજપ કોંગ્રેસને ધ્યાનમાં રાખી કામગીરી થતી હોય ગ્રાન્ટ ફાળવવામાં અને આયોજનમાં પક્ષાપક્ષી રાખવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવતા સામાન્ય સભા થોડીવાર માટે ગરમાઇ ગઇ હતી.
વધુમાં મનુખભાઇ સાકરીયા દ્વારા તાજેતરમાં પકડાયેલી નકલી શાળા મુદે પણ સવાલો કરવામાં આવ્યા હતા. રાજકોટના પીપળીયા ગામે નકલી શાળા પકડાઇ હતી અને આ શાળા છેલ્લા છ મહિનાથી ચાલતી હતી છતા પણ તંત્ર અને સત્તાધીશોના ધ્યાને કેમ આવી નહી તે બાબતે સામાન્ય સભામાં પૂછતા તંત્રએ કહયું હતું કે 300 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જોકે મનસુખ સાકરીયાએ કહયુ હતુ કે છ વર્ષથી ચાલતી હોવા છતા અને રાજકોટની નજીક હોય તેમ છતા કેમ તંત્ર અંધારામાં રહ્યું?
ઉપરોકત બન્ને મુદ્દા મામલે તંત્ર અને સત્તાધીશોને સવાલ પૂછતા સામાન્ય સભાનું વાતાવરણ થોડીવાર માટે હાઇ બની ગયુ હતુ. જેમાં અન્ય સભ્યોએ બાજી સંભાળી અને મામલો થાળે પાડ્યો હતો.
આ સામાન્ય સભામાં જિલ્લામાં હાથ ધરવામાં આપનાર નાના-મોટા 137 જેટલા કામ માટે રૂ.335 કરોડની દરખાસી સરકારમાં કરવામાં આવશે. ઉપરાંત હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોય જિલ્લામાં 800થી વધારે ચેકડેમ આપેલા તેમાં પાણીનો સંગ્ર વધે તે માટે સમારકામ કરવામાં આવશે જેથી અગાઉ જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તેમાં વધારાની ગ્રાન્ટ આપવા માટે પણ સરકારમાં દરખાસ્ત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
43 વૃક્ષો કાપી તેની સામે 10 ગણા વાવવા માટે ઠરાવ
રાજકોટ જિલ્લા પંચાયતના હયાત બાંધકામને તોડી ત્યાં નવુ બનાવવામાં આવશે જેથી હાલ ત્યાં 43 જેટલા વૃક્ષો આવેલા છે તે વૃક્ષોને કાપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની સામે કુવાડવા વિસ્તારમાં 10 ગણા વૃક્ષોનું વાવેતર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બાબતે મતમતાંતર
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે કોંગે્રસના સદસ્ય દ્વારા દરખાસ્ત કરતા તેમા પણ મતમંતાતર જોવા મળ્યુ હતું. અગાઉના જનરલ બોર્ડમાં મૃતકોને શ્રધ્ધાંજલી આપી દીધી હોય હવે ફરીથી આપવા બાબતે રકઝક થઇ હતી અને ફરીથી શ્રધ્ધાંજલી આપવી એ સમયની બરબાદી થશે તેવુ સત્તાધીશો દ્વારા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસના સભ્ય દ્વારા કરાયેલી દરખાસ્તને તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અર્જુન ખાટરીયા દ્વારા ટેકો અપાયો હતો.