રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી
2.18 લાખ બેલેટ પર છપાવાયા, 74 બિલ્ડિંગોમાં મતદાનની વ્યવસ્થા
સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવાર, 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લો પણ આ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જિલ્લામાં કુલ 64 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 22 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાવાની છે. લોકશાહીના આ પર્વને સુપેરે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ ચૂંટણી પ્રક્રિયા ગ્રામ્ય વિસ્તારના 74 જેટલા બિલ્ડિંગોમાં આવેલા 144 બુથ પર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા 2.18 લાખથી વધુ બેલેટ પેપર છપાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ ચૂંટણીમાં 20 જેટલા ગામો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે 271 જેટલા સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 31 જેટલા ઙજઈં 62 જેટલા પોલીસ કર્મચારીઓ અને 62 જેટલા હોમગાર્ડના જવાનો સહિતનો પોલીસ કાફલો ફરજ બજાવશે. આ ઉપરાંત, અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખશે.
આવતીકાલે, એટલે કે શનિવારના રોજ, ચૂંટણી ફરજ પર રહેલા તમામ સ્ટાફને પોતપોતાના બુથ પર રવાના કરવામાં આવશે. તેમને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત જરૂૂરી સૂચનાઓ અને સામગ્રી પૂરી પાડવામાં આવશે.