ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયા
ગાંધીનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરનું મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે.
આ ધમકીભર્યા ઈ-મેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયાની 97 મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય ધડાકાથી ધણધણી ઉઠશે.
ઈ-મેઈલમાં માત્ર ગુજરાત નહીં પરંતુ તમિલનાડુના રાજકારણ અને ત્યાંના કેટલાક પત્રકારો તથા રાજકીય હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો ઇ-મેઇલ ભય અને ભ્રમ ફેલાવવાના ઉદ્દેશ્યથી મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે.
ઈ-મેઈલ તમિલનાડુના રાજકારણ અને સમાચાર માધ્યમોને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ અને વચેટિયાઓને નોકરીએ રાખવાની સલાહ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. જોકે આ સલાહનું પાલન ન થતાં બદલો લેવાના ઇરાદે આ ધમકી આપવામાં આવી હોવાની અસ્પષ્ટ અને ભ્રામક વાતો ઇ-મેઇલમાં લખાઈ છે. આ ઉપરાંત, ઇ-મેઇલમાં અનાથાશ્રમોમાં બાળકીઓના યૌન શોષણ અને તમિલનાડુના રાજકારણીઓ તેમજ પત્રકારોની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઇ-મેઇલની તપાસ માટે ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમોને તૈનાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ વિસ્ફોટકો કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.