જેતપુર બોખલા દરવાજા પાસે ચાલતું જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પહેલા જુગારીઓની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે જેતપુરમાં બોખલા દરવાજા પાસે આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા વેપારી સહિત 7 શખ્સોની ધરપકડ કરી 1,02,340નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના બોખલા દરવાજા પાસે પ્રોવીઝન સ્ટોરની સામે આવેલા મકાનમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલીક અરવિંદ ટપુભાઈ વાઘેલા (ઉ.54), પ્રાઈવેટમાં નોકરી કરતાં મેહુલ દામજીભાઈ ભુવા (ઉ.29), પ્રાઈવેટમાં નોકરી કરતાં કશ્યપ પ્રવિણભાઈ મહેતા (ઉ.29), રિક્ષા ડ્રાઈવર ગોવિંદ રામભાઈ ભેટારીયા (ઉ.42), ઈનાયત ઈલિયાસભાઈ ભુવર (ઉ.31), પરેશ સુરેશભાઈ ગંગાજરીયા (ઉ.30) અને અભિભાઈ કિરીટભાઈ રાક (ઉ.30)ની ધરપકડ કરી હત.ી.
પોલીસે જુગારધામમાંથી 27,340ની રોકડ, 15 હજારના પાંચ મોબાઈલ ફોન અને 60 હજારની કિંમતના બે મોટર સાઈકલ મળી કુલ 1,02,340નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી જેતપુરના પીઆઈ એ.ડી.પરમાર, એએસઆઈ ડી.કે.ચાવડા, સાગરભાઈ મકવાણા સહિતના સ્ટાફે કરી હતી.