હળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇ
હળવદમાં આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 2 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જુગારમાં હળવદ તાલુકા ભાજપ સંગઠન મંત્રી ભરત વઢરેકીયા, ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના સદસ્ય વલ્લભભાઇ પટેલ, પુર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને શિવરાજપુર બેઠકના સદસ્ય નિલેશ ગામીની છત્રછાયામાં આ જુગાર ચાલતો હોવાની તપાસ દરમિયાન ખુલવા પામ્યુ હતુ.
મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, વાંકાનેર ડીવાયએસપી સારડા અને મોરબી વિભાગના ડીવાયએસપી પી. એ. ઝાલાની સુચના અનુસાર મોરબી જીલ્લામાં ચાલતી દારૂ - જુગારની અસામાજીક પ્રવૃતિઓને નાબુદ કરવા દરેક પોલીસ મથકમાં સુચના આપી હોય એ દરમિયાન હળવદ પોલીસ મથકના પીઆઇ આર. ટી. વ્યાસ, હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, મનહરભાઇ સદાદીયા, યુવરાજસિંહ જાડેજા, મનોજભાઇ પટેલ સહિતના સ્ટાફે બાતમીના આધારે હળવદ રોડ પર આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ કાફલો તુરંત ગેસ્ટ હાઉસ પર પહોંચી ગયો હતો અને દરોડો પાડી જુગાર રમતા હળવદના ભરત હરખા વઢરેકીયા, અલાઉદીન મહમદ ચૌહાણ, મહેબુબ નથુ સિપાઇ, જાકીર દાઉદ ચૌહાણ, મોહસીન હબીબ ચૌહાણ, ઇરફાન યુનુસ રાઠોડ, દિવ્યેશ કિશોર જેઠલોજા, વલ્લભ સુંદરજી પટેલ, રસીદ જુમા ચૌહાણ, ફૈયાજ યાકુબ ભટ્ટી, શબીર જુસક ચૌહાણ, તોહીદ અજીત ચૌહાણ, રજાક અકબર ભટ્ટી, જાવીદ અબ્દુલ ચૌહાણ, ઇમરાન હનીફ ભટ્ટી, સિરાજ સલેમાન કયડા, અસલમ સલીમ ચાનીયા અને સલીમ જુમા ચૌહાણની ધરપકડ કરી 2 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા ઘોડીપાસાની કલબ કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી ? તે અંગે હાલ તમામની પુછપરછ કરવામાં આવશે.
આ જુગારમાં સામેલ ભરત વઢરેકીયા હળવદ ભાજપ તાલુકા સંગઠન મંત્રી અને વલ્લભ પટેલ ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના સદસ્ય હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ ફરાર થયેલા પુર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને શિવરાજપુર બેઠકના સદસ્ય નિલેશ ધનજી ગામી અને નામચીન બુટલેગર પંકજ ચમન ગોઠીની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપ અગ્રણીઓ દ્વારા ચાલી રહેલા આ જુગાર કલબમાં રેડ પડતા ચકચાર મચી જવા પામી છે.