કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો
પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત
રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. જ્યારે વધુ 6 લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાદેશીક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષા ચાલક સહિતના છ લોકોના મોત નિપજ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રામાપીર ચોકડી પાસે રહેતા અને પ્રાદેશીક નગરનિયામક કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઈશિત કમલેશભાઈ પંચોલી ઉ.વ. 25 પોતાના ઘરે હતો ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન માતા-પિતાનો આધાર સ્તંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. અને 15 દિવસ પૂર્વે જ તેનું સગપણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મોરબીમાં આવેલી સુમરા સોસાયટીમાં રહેતા અને મારવાડી કોલેજમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ઈસ્માલભાઈ હાજીભાઈ સુમરા ઉ.વ. 53 સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં મારવાડી કોલેજના ડ્રાયવર રૂમમાં સુતા હતા ત્યારે આવેલો હદય રોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક ઈસ્માઈલભાઈ સુમરા બે ભાઈ એક બહેનમાં વચેટ હતાં અનેતેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઈસ્માઈલભાઈ છેલ્લા પાંચ વર્ષથી મારવાડી કોલેજમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા હતાં અને ડેઈલી મોરબીથી મારવાડી કોલેજના વિદ્યાર્તીઓને આવતા હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં પોપટ પરા વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં રહેતા અને નાગરિક બેંકમાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પ્રાણલાભાઈ ટાંક ઉ.વ. 47 પોતાનું બાઈક ઈને જતા હતાં ત્યારે ચાલુ બાઈકે ચક્કર આવતા પટકાયા હતાં. પ્રોઢને તાત્કાલીક સારવાર માટે સિવિલલ હોિસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈતપાસી ધર્મેશભાઈ ટાંકનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ હતી.
ચોથા બનાવમાં મનહરપરા બેડી પરા ફાયર બ્રીગેડ પાછળ રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લક્ષ્મણભાઈ હરજીભાઈ વાઘેલા ઉ.વ. 46 સવારના સમયે ઈસ્ટઝોન આરએમસી ઓફિસ પાસે પોતાની રિક્ષામાં બેઠા હતાં ત્યારે હદય રોગનો હુમલો આવેલ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રોઢને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. પરંતુ ત્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક લક્ષ્મણભાઈ વાઘેલા ચાર ભાઈ એક બહેનમાં નાના હતાં. અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
પાંચમાં બનાવમાં રૈયા રોડ ઉપર વૈશાલી નગરમાં રહેતા ચેતન્ય જેઠાભાઈ જોશી ઉ.વ. 54 વહેલી પરોઢિએ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રોઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
છઠ્ઠા બનાવમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલી ભિડભંજન સોસાયટીમાં રહેતા દાનાભાઈ રઘુભાઈ બાંભવા ઉ.વ. 68 રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. મૃતક વૃદ્ધને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.